ઝારખંડ અને ઓડિશામાં આવકવેરાના દરોડા
૩૬૦ કરોડની રોકડ જપ્ત
રાંચી/ભુવનેશ્ર્વર: ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કૉંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના રાંચી, લોહરદગા અને ઓડિશા સ્થિત પાંચથી વધુ સ્થળો પર ઇનક્મ ટેક્સની ટીમોએ દરોડા પાડ્યા હતા. ટીમ દ્વારા દસ્તાવેજો અને રોકાણ વગેરેના દસ્તાવેજો ખંગાળવામાં આવી રહ્યા છે.
ઝારખંડ અને ઓડિશામાં આવકવેરા વિભાગે બુધવારે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડ્યા હતા. પશ્ર્ચિમ ઓડિશામાં દેશી દારૂનું ઉત્પાદન અને વિતરણ કરતી અગ્રણી કંપની બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝની બાલાંગિર ઓફિસમાંથી ૧૫૦ કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી. તેમજ અન્ય એક વેપારી પાસેથી વિભાગે ૧૧૦ કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગે અધધધ કુલ ૩૬૦ કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇકાલ સુધીમાં ૫૦ કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂરી થઇ હતી. રોકડ એટલી વધુ છે કે નોટો ગણવાના મશીનો કામ કરતા બંધ થઇ ગયાં હતાં!
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના બોલાંગીર અને સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહદરગામા કંપનીના પરિસરમાં પણ સર્ચ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે આવકવેરા વિભાગે કરચોરીની શંકાના આધારે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. હાલ નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થયા બાદ જ કરચોરીની ચોક્કસ રકમ જાણી શકાશે. આવકવેરા વિભાગની મદદ કરવા
માટે દરોડામાં સીઆઇએસએફના જવાનો પણ સામેલ થયા છે.
આવકવેરા વિભાગની ટીમે બુધવારે રાંચી, લોહરદગા અને ઓડિશામાં ઝારખંડના રાજ્યસભા કૉંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુનાં પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ધીરજ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસમેન છે અને રાજકીય પરિવાર સાથે ઘરોબો ધરાવે છે. તેઓ કૉંગ્રેસમાંથી બે વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. સાંસદ સાહૂનું પૈતૃક નિવાસ લોહરદગામાં છે, જ્યારે તેમના પરિવારનો રાંચીના રેડિયમ રોડ પર બંગલો છે. સુરક્ષા દળો સાથે આવકવેરાની ટીમો બુધવારે સવારે આ બન્ને જગ્યાઓ પર ત્રાટકી હતી. ઉપરાંત ઓડિશાના સુંદરગઢમાં પણ તેમની જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ડિસેમ્બર, ૨૦૧૯માં પણ આવકવેરા વિભાગ ધીરજ સાહુના ઘરે ત્રાટક્યું હતું.