દેશના વડા જ્યારે એક મહિલા હોય ત્યારે આવી ઘટના પણ બનતી હોય છે

એ વાતમાં કોઈ શક નથી કે આઝાદી બાદ તમામ વડા પ્રધાને દેશને પ્રગતિના પંથે લઈ જવામાં પોતાનાથી બનતું યોગદાન આપ્યું છે, પરંતુ જ્યારે કોઈ પરિવાર, સંસ્થા તે પછી દેશના વડા મહિલા હોય ત્યારે શું ફરક પડે તેવો સવાલ જો તમને થતો હોય તો જવાબ માટે એક ઘટના તમારી સાથે શેર કરવી છે. વાત છે ભારતના પહેલાં મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની.
આ વાત છે 90ના દાયકાની શરૂઆતની. 1981માં ઈન્દિરા ગાંધી એક સમિટમાં ભાગ લેવા માટે મેક્સિકો ગયા હતા અને અહીંથી જ તેમને સિરિયલો અને ડેઈલી સોપ્સના કોન્સેપ્ટ વિશે ખબર પડી હતી. પછી તેના મગજમાં ટીવી સિરિયલનો વિચાર આવ્યો. આ સમયગાળા દરમિયાન દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા અને માહિતી અને પ્રસારણ મંત્રી વસંત સાઠે હતા. ઈન્દિરા ગાંધી ચોથી વખત વડાં પ્રધાન બન્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર સમાજના દરેક ખૂણા સુધી પહોંચવું જરૂરી છે. તે સમયે દૂરદર્શન જ એકમાત્ર માધ્યમ હતું જેના દ્વારા દેશના ખૂણે ખૂણે પહોંચી શકાય છે.
ઈન્દિરા ગાંધીએ આ માટે લેખક મનોહર શ્યામ જોશીનો સંપર્ક કર્યો અને તેમને દૂરદર્શન માટે સિરિયલ તૈયાર કરવાનું કામ સોંપ્યું. આ માટે ચાર લોકોની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં ડિરેક્ટર સતીશ ગર્ગ અને સ્ક્રિપ્ટ રાઈટર પી કુમાર વાસુદેવ હતા. આ સિરિયલના સંબંધમાં એસએસ ગિલ મેક્સિકો ગયા હતા, જ્યારે તેઓ તેમની તપાસ પછી પાછા ફર્યા ત્યારે તેઓ શોભા ડૉક્ટર નામના પ્રોડ્યુસરને મળ્યા અને ફેમિલી પ્લાનિંગ પર શો બનાવવાનું કામ સોંપ્યું.
એસએસ ગિલે 25 સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડ્યુસર સાથે મીટિંગ કરી અને ડેઈલી સોપ બનાવવાનું નક્કી કર્યું અને આ રીતે હમ લોગ બનાવવામાં આવી. તે ભારતની પ્રથમ સિરિયલ હતી અને તેનું પ્રસારણ જુલાઈ 1984માં શરૂ થયું હતું. હમ લોગ અઠવાડિયામાં 5 દિવસ પ્રસારિત થતી હતી. એક મધ્યમવર્ગીય પરિવારના રોજિંદા મુદ્દાઓને એક સામાન્ય ભારતીય પરિવાર સાથે જોડીને શ્રોતાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ સિરિયલનું મુખ્ય આકર્ષણ બોલિવૂડ સ્ટાર અશોક કુમાર હતા. સિરિયલમાં ફેમેલિ પ્લાનિંગથી માંડી, માસિક ધર્મ, મહિલા શિક્ષણ, સ્વચ્છતા, યોગ્ય ઉંમરે લગ્ન, આંતરજ્ઞાતિય લગ્ન વગેરે વિષયોને વણીને વાર્તા પિરસાતી અને એપિસૉડના અંતે અશોક કુમાર આવી જનજાગૃતિની વાત કરતા.
જ્યારે હમ લોગ આવ્યું ત્યારે ભારતમાં મોટાભાગના લોકો પાસે ટેલિવિઝન નહોતું. તેમ છતાં, આ સીરિયલ દર્શકો સુધી પહોંચી અને દિલ અને દિમાગ પર કબજો કરવામાં સફળ રહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સીરિયલની વ્યુઅરશિપ તેના પીક ટાઈમ દરમિયાન ઘણી સારી હતી. દર્શકોની દૃષ્ટિએ આ સિરિયલ પાછળથી આવેલા ઘણા પ્રતિષ્ઠિત શો કરતાં આગળ હતી. જેમાં મહાભારતનો પણ સમાવેશ થાય છે.
આ સીરિયલમાં વિનોદ નાગપાલ, જયશ્રી અરોરા, સીમા પાહવા, રાજેશ પુરી, દિવ્યા સેઠ, લવલીન મિશ્રા, સુષ્મા સેઠ જેવા કલાકારો જોવા મળ્યા હતા. જ્યારે હમ લોગ પ્રસારિત થયું, ત્યારે તેણે ભારતીય ટેલિવિઝન પર કબજો કર્યો. માનવામાં આવે છે કે શૉ દરમિયાન અશોક કુમાર અને દૂરદર્શનને વાચકો તરફથી લગભગ 40 લાખ પત્રો મળ્યા હતા. આટલી લોકપ્રિયતા પછી જ્યારે દૂરદર્શને 1985માં શો બંધ કરવાનો નિર્ણય કર્યો તો દર્શકો ગુસ્સે થઈ ગયા. લોકોએ શો ચાલુ રાખવાની આશામાં ઘણો હોબાળો મચાવ્યો, પરંતુ આખરે 156 એપિસોડ પછી ‘હમ લોગ’ 17 ડિસેમ્બર 1985ના રોજ બંધ થઈ ગયું.
એક મહિલા લગભગ વધારે સારી રીતે સમજી શકે કે સમાજમાં રહેતા લોકો, પરિવારોની સમસ્યા શું હોય છે અને આ બધી સમસ્યાઓ માત્ર સરકારી કચેરીઓમાં બેસી કાયદા-કાનૂન બનાવવાથી નહીં ઉકેલી શકાય, પણ લોકોને સમજ આપી ધીમે ધીમે નાબૂદ કરી શકાશે.