ઉત્તરાખંડના વાઘનો આતંક, ડીએમએ શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરી

ઉત્તરાખંડ પર્વતીય અને જંગલોનો વિસ્તાર છે. અહીં ઘણા વિસ્તારોમાં વાઘ મુક્તપણે ફરતા જોવા મળે છે. તાજેતરમાં જ ઉત્તરાખંડમાં એક વિદ્યાર્થી પર વાઘે હુમલો કર્યો હતો. વાઘનો આ હુમલો શાળા પરિસર પાસે જ થયો હતો, તેથી હવે રાજ્ય પ્રશાસન આ મામલે સતર્ક બન્યું છે. હાલમાં ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના જાખણીધાર તાલુકામાં વાઘનો આતંક ફેલાયેલો છે.
વાઘના વધી રહેલા આતંકને જોતા સ્થાનિક પ્રશાસને 23 અને 24 સપ્ટેમ્બરના રોજ દ્વારીખાલ વિસ્તારની નવ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. શાળામાં જતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પૌડી જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જાખણીધારના સબ-જિલ્લા મેજિસ્ટ્રેટ અને દ્વારીખાલના બ્લોક એજ્યુકેશન ઓફિસરની વિનંતી પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બંને અધિકારીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને જાણ કરી હતી કે શનિવારે સવારે 7 વાગ્યે દ્વારીખાલ વિસ્તારના થાંગર ગામમાં વાઘે એક વિદ્યાર્થી પર હુમલો કરીને ઘાયલ કર્યો હતો. આ સિવાય થાંગરની સરકારી પ્રાથમિક શાળા પાસે પણ વાઘ જોવા મળ્યો હતો.
જિલ્લા મેજિસ્ટ્રેટે પોતાના આદેશમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દ્વારીખાલ વિસ્તારની નવ શાળાઓ અને તમામ આંગણવાડી કેન્દ્રોમાં 23 અને 24 સપ્ટેમ્બરે રજા રહેશે.
ગયા મહિને, પૌડી ગઢવાલ જિલ્લાના લેન્સડાઉન વિસ્તારમાં એક માનવભક્ષી દીપડાએ એક છોકરા પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના રિખણીખાલ બ્લોકના કોટા ગામમાં સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી.
Also Read –