
પશ્ચિમ બંગાળના સિંગુરમાં લખટકિયા કાર નેનોના મેન્યુફેક્ચરીંગ માટે લગાવવામાં આવેલો પ્લાન્ટ બંધ થઇ જતા કંપનીને રોકાણમાં પડેલા ફટકાને પગલે ઘણું નુકસાન પહોંચ્યું હતું. જેનો કેસ 3 સભ્યોની બનેલી આર્બિટ્રલ ટ્રિબ્યુનલમાં ચાલી રહ્યો હતો. આ કેસના ચુકાદામાં આર્બીટ્રલ ટ્રિબ્યુનલે ટાટા ગૃપની તરફેણમાં ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે ટાટા મોટર્સ એક સપ્ટેમ્બર 2016થી વર્ષના 11 ટકાના વ્યાજ સાથે 765.78 કરોડ રૂપિયાની રિકવરી પશ્ચિમ બંગાળ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પાસેથી કરી શકે છે. ટાટા મોટર્સે જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી પાછળ ખર્ચાયેલા 1 કરોડ રૂપિયાની પણ વસૂલી કરવાનો ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે.
ઘટનાની વિગતો જોઇએ તો મમતા બેનરજીની પહેલા પશ્ચિમ બંગાળમાં જે ડાબેરી સરકાર હતી તેમણે ટાટા મોટર્સને લખટકિયા કાર નેનોના મેન્યુફેક્ચરીંગ માટે પ્લાન્ટ બનાવવા જમીન ફાળવણી કરી હતી. ટાટા મોટર્સે આ પ્રોજેક્ટ પર ભારે રોકાણ કર્યું હતું. એ સમયે મમતા બેનરજી વિપક્ષમાં હતા. તેમણે ખેડૂતોને અન્યાય થઇ રહ્યો હોવાનો આક્ષેપ કરી પ્રોજેકટનો મોટાપાયે વિરોધ કર્યો હતો. આ વિવાદ એટલો મોટો હતો કે ટાટા મોટર્સે આખા પ્રોજેક્ટને ખસેડીને ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો. કંપનીએ અમદાવાદ પાસે આવેલા સાણંદમાં પ્લાન્ટ નાખ્યો હતો જો કે પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો.
બીજી તરફ સિંગુરથી ઉભા થયેલા વિવાદે મમતા બેનરજીને એટલી હદે લોકપ્રિયતા અપાવી હતી કે તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન પદે બિરાજમાન થયા. ચૂંટણી સમયે આ પ્રોજેક્ટના વિવાદનો મુદ્દો ઉઠાવી તેમણે ડાબેરી સરકારની નીતિઓનો વિરોધ કરી ભારે સંખ્યામાં મત જીત્યા અને સત્તામાં આવ્યા બાદ તેમણે સિંગુરની એક હજાર એકરની જમીન ખેડૂતોને પરત આપવાનો નિર્ણય લીધો હતો, અને હવે આ વિવાદને પગલે સત્તામાં આવવાની અધધ..766 કરોડ રૂપિયાની કિંમત તેઓ ટાટા મોટર્સને ચુકવશે.