તિરુવનંતપુરમ: તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૪૪ રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં પણ ૨-૦ની સરસાઈ મેળવી લીધી હતી. ભારતના ૨૩૫ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત ઓવરમાં ૯ વિકેટે ૧૯૧ રન જ કરી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ બીજી ટી-૨૦ મેચ ૪૪ રને જીતી લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ ૪૫ રન કર્યા હતા. જ્યારે ટિમ ડેવિડે ૩૭ રનની ઇનિંગ રમી હતી અને મેથ્યુ વેડે ૪૨ રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય મુકેશ કુમાર, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને એક-એક સફળતા મળી છે.
