નેશનલ

Chandigarh Mayor Election મુદ્દે સુપ્રીમ કોર્ટે અધિકારીને કહ્યું, તમારા પર કેસ ચલાવવો જોઈએ અને

નવી દિલ્હી: થોડા સમય પહેલા જ ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિ મામલે (Chandigarh Mayor Election) સુપ્રીમ કોર્ટે જવાબદાર લોકો ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને લોકતંત્રને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સોમવારે (19 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ.

આ દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે અનિલ મસીહને ઠપકો આપ્યો હતો. આ સાથે CJIએ કહ્યું કે આ કેસની સુનાવણી આવતીકાલે જ થશે. અમને કહેવામાં આવ્યું છે કે ત્યાં પક્ષપલટાની ઘટનાઓ બની રહી છે. ટૂંક સમયમાં ચૂંટણી યોજવી પણ જરૂરી છે.

ઘટનાને લઈને મુખ્ય ન્યાયાધીશ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરને સવાલ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને પૂછ્યું કે તમે કેમરા સામે શું કામ જોઈ રહ્યા હતા? ત્યારે જવાબમાં ઓફિસરે કહ્યું હતું કે બધા કેમેરા કેમરા કરીને બૂમો પાડી રહ્યા હતા, જેથી કરીને ખરેખર શું વાત છે તે જોવા માટે મે ત્યાં જોયું હતું.

CJI દ્વારા અન્ય એક સવાલ કરવામાં આવ્યો હતો કે તમે શા માટે બેલેટ પેપર ખરાબ કરી રહ્યા હતા ? તો પોતાનો બચાવ કરતાં અધિકારીએ કહ્યું કે, હું પેપર પર સહીઓ કરતો હતો. જેને લઈને CJIએ વળતો સવાલ કર્યો કે તમે તેમાં માર્કિંગ કરતાં પણ જોવા મળો છો. ત્યારે જવાબમાં મસીહે કહ્યું કે જે પેપરને પેલથી જ ખરાબ કરવામાં આવ્યા હતા તેના પર નિશાનીઓ કરી હતી.

જવાબો સાંભળતા જ CJI DY ચંદ્રચૂડે કહ્યું કે આવું કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમારા પર કેસ ચાલવો જોઈએ. CJIએ કહ્યું કે અમે નાયબ કમિશનરને નિર્દેશ આપીશું કે તે એક નિષ્પક્ષ ચૂંટણી અધિકારીની નિમણૂંક કરે અને નવેસરથી ચૂંટણી યોજવામાં આવે. મોનિટરિંગ માટે ન્યાયિક અધિકારીની પણ નિમણૂક થાય.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે મારું સૂચન છે કે હાઈ કોર્ટે રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. બેલેટ પેપર અને રેકોર્ડ પણ જોવા જોઈએ. તેના પર CJIએ કહ્યું કે અમે હાઈકોર્ટના રજિસ્ટ્રારને તમામ રેકોર્ડ સાથે એક અધિકારીને અમારી પાસે મોકલવા કહીશું. અમે તેનું નિરીક્ષણ કરીશું અને આગળના આદેશો આપીશું. આ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે (20 ફેબ્રુઆરી) સુનાવણી થશે.

CJIએ સુનાવણી દરમિયાન કહ્યું કે રેકોર્ડ અહીં સુરક્ષિત રીતે પહોંચે તે માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. અધિકારીઓએ મત ​​ગણતરીનો સંપૂર્ણ વિડિયો પણ અમારી સમક્ષ રજૂ કરવો જોઈએ. ચૂંટણી અધિકારી અનિલ મસીહ અમારી સામે આવ્યા. તેણે કબૂલ્યું કે તેણે 8 બેલેટ પેપર પર માર્ક કર્યા છે. તેમણે કહ્યું કે બેલેટ પેપર બગડી ગયા હતા. તેના પર નિશાન કરવામાં આવ્યા.

આ દરમિયાન ડીવાય ચંદ્રચુડે અનિલ મસીહને મંગળવારે યોજાનારી સુનાવણી દરમિયાન હાજર રહેવા જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે ત્યાં પક્ષપલટાની ઘટનાઓ બની રહી છે. ટૂંક સમયમાં ચૂંટણી યોજવી પણ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ચંદીગઢના નવનિયુક્ત મેયર મનોજ સોનકરે 18 ફેબ્રુઆરીની મોડી રાત્રે રાજીનામું આપી દીધું હતું. આ સાથે આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલર પણ ભાજપમાં જોડાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button