પ્રથમ વન-ડેમાં સા. આફ્રિકા સામે ભારતનો આઠ વિકેટથી વિજય
જ્હોનિસબર્ગ: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી હતી. જ્હોનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતની જીતનો હિરો અર્શદીપ અને અવેશ ખાન રહ્યા હતા. અર્શદીપ સિંહે પાંચ અને અવેશ ખાને ચાર વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમ ૧૧૬ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૧૬.૪ ઓવરમાં ૧૧૭ રન કરીને મેચ જીતી લીધી હતી. ભારતે શ્રેણીમાં પણ ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. આ વર્ષે વનડેમાં ભારતની આ ૨૬મી જીત છે. ઓસ્ટ્રેલિયાએ ૧૯૯૯માં ૨૬ મેચ તો ૨૦૨૩માં ૩૦ મેચ જીતી છે.
ભારત તરફથી ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શને અણનમ ૫૫ રન કર્યા હતા. તેણે ૪૩ બોલની ઈનિંગમાં નવ ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ ઐય્યરે ૪૫ બોલમાં ૫૨ રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડ પાંચ રન કરીને આઉટ થયો હતો. તિલક વર્મા એક રન કરી અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી વિયાન મુલ્ડર અને એન્ડીલે ફેહલુકવાયોએ એક-એક વિકેટ લીધી હતી.
ભારત તરફથી બોલિંગમાં અર્શદીપ સિંહ અને અવેશ ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ મળીને નવ વિકેટ ઝડપી હતી. ઇનિંગની બીજી ઓવરમાં જ અર્શદીપ સિંહે સતત બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. રિઝા અને રાસી વાન ડેર ડુસેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અર્શદીપે ટોની ડી જ્યોર્જીને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. તે ૨૨ બોલમાં ૨૮ રન કરી શક્યો હતો. આ પછી અર્શદીપે ઇનિંગની ૧૦મી ઓવરના છેલ્લા બોલ પર હેનરિક ક્લાસેન (૬)ને બોલ્ડ કર્યો હતો.
અવેશ ખાને એડન માર્કરમ અને વિયાન મુલ્ડરને પેવેલિયન મોકલી દીધા હતા. ત્યાર બાદ અવેશે ડેવિડ મિલરને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. મિલર બે રન કરી શક્યો હતો. આ પછી તેણે કેશવ મહારાજ (૪)ને પોતાનો ચોથો શિકાર બનાવ્યો હતો.