દક્ષિણ ભારતમાં એનડીએને સૌથી મોટો ફટકો, આ પાર્ટીએ છેડો ફાડ્યો
ચેન્નઈઃ તમિલનાડુની વિપક્ષી પાર્ટી એઆઈએડીએમકેએ આજે સત્તાવાર રીતે એનડીએના ગઠબંધનમાંથી એક્ઝિટ લીધી હોવાનું જણાવ્યું હતું. આજે તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાવાર રીતે એનડીએ સાથે સંબંધ ખતમ કર્યો હોવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. એઆઈએડીએમકેના આ નિર્ણયથી ચૂંટણીમાં અસર જોવા મળશે, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હવે દક્ષિણ ભારતમાં એકલા ચૂંટણી લડવી પડશે.
ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્રી કડગમ (એઆઈએડીએમકે)એ સોમવારે સત્તાવાર રીતે એનડીએમાંથી છેડો ફાડ્યો હતો. સોમવારે અન્નાદ્રમુકે એક બેઠક બોલાવી હતી, જેમાં એનડીએ સાથે સંબંધ તોડવા અંગેનો પ્રસ્તાવ સર્વસમંતિથી મંજૂર કરવામાં આવ્યો હતો, એમ અન્નાદ્રમુકના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસ્વામીએ જણાવ્યું હતું.
એનડીએ સાથે છેડા ફાડવાની જાહેરાત પછી ચેન્નઈ સ્થિત એઆઈએડીએમકેના કાર્યકરોએ ફટાકડાં ફોડ્યા હતા, જ્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. એનડીએ સાથે સંબંધ તોડી નાખવા અંગેના પ્રસ્તાવને સર્વસમંતિથી મંજૂરી આપવામાં આવી છે, તેથી આજથી ભાજપ અને એનડીએના સાથી પક્ષ સાથે સંબંધ તોડવામાં આવે છે. ભાજપના આ રાજ્ય નેતૃત્વ હેઠળના નેતાઓ દ્વારા બિનજરુરી ટિપ્પણી કરવામાં આવતી હતી. અન્નાદ્રમુકની આ જાહેરાત ભાજપ માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે 2024ની ચૂંટણીમાં ભાજપને હવે એકલે હાથે મેદાનમાં ઉતરવાની નોબત આવશે.
એઆઈએડીએમકીએ છેડો ફાડવા અંગે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હોવા અંગે ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે આ મુદ્દે અમે વિગતવાર નિવેદન આપીશું. દરમિયાન ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ એમ ચક્રવર્તીએ કહ્યું હતું કે અમારા નેતૃત્વને અન્નામલાઈને હટાવવાનો વિચાર પસંદ નથી, કારણ કે તે પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે અને તેનો શાનદાર રીતે વિસ્તાર કરી રહ્યા છે. રાજ્યમાં સનાતન ધર્મ વિવાદ દરમિયાન અન્નાદુરાઈ વિશે માત્ર ટિપ્પણી કરી હતી.