(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં સાધારણ સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે ખાસ કરીને સોનામાં વધ્યા મથાળેથી ભાવમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
આમ વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 1065નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 144થી 146નો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી ચાર પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટી આવતા સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1065 વધીને રૂ. 91,090ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 144 વધીને રૂ. 76,232 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 146 વધીને રૂ. 76,538ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ અને રિટેલ સ્તરની લગ્નસરાની માગ જળવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાત અંગેના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અમેરિકાના પે રૉલ ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના વલણ વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના વધ્યા મથાળેથી સાધારણ 0.1 ટકાના ઘટાડા સાથે અનુક્રમે 2648.02 ડૉલર અને 2672.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 31.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલને તબક્કે વૈશ્વિક સોનામાં ખાસ કરીને વૈશ્વિક રાજકીય-ભૌગોલિક તણાવ, ડિ ડૉલરાઈઝેશન અને કેન્દ્રવર્તી બૅન્કની લેવાલીથી આૈંસદીઠ 2600 ડૉલર આસપાસની સપાટીએ ટેકો મળી રહ્યો છે તેમ જ આગામી આગામી માર્ચ, 2025 સુધીમાં ભાવ વધીને 3000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ વ્યક્ત કરી હતી. સામાન્યપણે રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતા અને વધતા ફુગાવામાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલી નીકળતી હોય છે, પરંતુ જ્યારે વ્યાજદર ઊંચી સપાટીએ હોય ત્યારે સોનામાં માગ નબળી પડતી હોય છે.
વ્યાજદરમાં કપાતની સાથે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી અર્થતંત્રમાં ફેડરલની અપેક્ષા કરતાં વધુ મજબૂતી હોવાનું ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવવાની સાથે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની ગતિ ધીમી રહેવાના સંકેત આપ્યા હતા. તેમ જ સાન ફ્રાન્સિસ્કો ફેડનાં પ્રમુખ મેરી ડેલેએ પણ વ્યાજદરમાં કપાત કરવામાં ઉતાવળ કરવાનો કોઈ અર્થ ન હોવાનું જણાવ્યું હતું.
Also Read – ફરી પટકાયો રૂપિયો: જાણો કયા કારણો છે જવાબદાર
આગામી 17-18 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 74 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હતા. વર્તમાન કૅલૅન્ડર વર્ષમાં સોનાએ આકર્ષક કામગીરી દાખવ્યા બાદ હવે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન તેજી થાક ખાય તેવી શક્યતા એએનઝેડે એક નોટ્સમાં જણાવ્યું હતું.