(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે ભાવ બે સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં મક્કમ અન્ડરટોને ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી 0.9 ટકાનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 691થી 694નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્વિક નરમાઈતરફી અહેવાલ છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 28નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિતના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 691ની તેજી સાથે રૂ. 77,557 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 694 વધીને રૂ. 77,869ના મથાળે રહ્યા હતા, જ્યારે ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 28ના સાધારણ સુધારા સાથે રૂ. 92,838ના મથાળે રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવા આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી આૈંસદીઠ 2692.16 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને 2728.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના વધ્યા મથાળેથી 0.9 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 31.61 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર હોવાથી સોનામાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે જાહેર થનારા ફુગાવાના ડેટા ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં કપાત માટે લીલી ઝંડી બતાવનારા જોવા મળશે તો સોનાની તેજીને ટેકો મળશે, એમ કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 18 તારીખે સમાપન થતી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 90 ટકા શક્યતા ટ્રેડરો મૂકી રહ્યા છે. જોકે, ત્યાર બાદ જાન્યુઆરીમાં ફુગાવો વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા વ્યાજદરમાં કપાત સ્થગિત કરવામાં આવે તેવી ધારણા મૂકાઈ રહી છે.
Also Read – કવર સ્ટોરી : NBFC શું ગુલાબી દિવસો પૂરા થયા?!
વધુમાં રાજકીય-ભૌગોલિક સ્તરે ઈઝરાયલી લશ્કરે સિરિયાના ઘણાંખરા વ્યૂહાત્મક શસ્ત્રગારો અને નૌસેનાની સુવિધાઓ પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું, જ્યારે દક્ષિણ કોરિયાની પૉલિસે માર્શલ લૉ હેઠળ પ્રમુખની કાર્યાલય પર દરોડા પાડ્યાનું ન્યૂઝ એજન્સી યોનહેપે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે રાજકીય-ભૌગોલિક તણાવના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ ખૂલતી હોય છે. જોકે, વર્તમાન કૅલૅન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં સલામતી માટેની માગ, વ્યાજદરમાં કપાતના આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે સોનાના વૈશ્વિક ભાવમાં 30 ટકાનો ઉછાળો આવી ગયો છે.
જોકે, તાજેતરમાં ગોલ્ડમેન સાશે આગામી વર્ષ 2025માં સોનાની તેજીનું વલણ બદલતા જણાવ્યું હતું કે જો ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહેશે તો સોનાના ભાવ આૈંસદીઠ 3000ની સપાટી પાર કરે તેવી શક્યતા નથી જણાતી.