કેરળમાં પુરુષ મતદાર મહિલાનો પોશાક પહેરી મતદાન કરવા પહોંચ્યો, ચૂંટણી અધિકારીઓને ભૂલ સમજાઈ
ગત શુક્રવારે લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના બીજા તબક્કાનું મતદાન થયું હતું, આ દરમિયાન કેરળ(Kerala)ની 20 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. એવામાં કોલ્લમ(Kollam) લોકસભા બેઠક હેઠળ આવતા ઇઝુકોનની સરકારી શાળામાં મતદાન કરવા આવેલો 78 વર્ષીય પુરુષ મતદાર ચર્ચાનો વિષય બન્યો છે. રાજેન્દ્ર પ્રસાદ(Rajendra Prasad) નામનો મતદાર મહિલાના પોશાકમાં મતદાન કરવા આવતા ગ્રામજનો તેને જોઈને ચોંકી ગયા હતા. ચૂંટણી પંચની એક ભૂલનો વિરોધ કરવા મતદારે આ પગલું ભર્યું હતું.
અહેવાલો મુજબ રાજેન્દ્ર પ્રસાદ પંચાયતના નિવૃત લાઈબ્રેરીયન છે અને એકલા રહે છે. શુક્રવારે મતદાન કરવા આવ્યા ત્યારે ગામજનો તેમને જોઈને ચોંકી ગયા, તેમણે મહિલાનો પોશાક પહેરેલો હતો, તેમેણે આવું કેમ કર્યું એ કોઈ સમજી ના શક્યું. મતદાન મથક પર હાજર અધિકારીઓને પણ આશ્ચર્ય થયું, રાજેદ્ર પ્રસાદે તેના દસ્તાવેજો બતાવ્યા ત્યાર બાદ અધિકારીઓએ તેને મત આપવા દીધો.
હકીકતે ચૂંટણી પંચની એક ભૂલનો વિરોધ કરવા નિવૃત લાઈબ્રેરીયને આ પગલું ભર્યું હતું. ચુંટણી પંચે રાજેન્દ્રને મતદાર યાદીમાં ભૂલથી મહિલા તરીકે દર્શાવ્યા હતા.. વોટીંગ સ્લીપમાં પણ તેમને મહિલા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની આ ભૂલનો વિરોધ કરવા તેઓ મહિલાના પોશાકમાં મતદાન કરવા પહોંચ્યા હતા.
રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે, “ચૂંટણી પંચે મને મહિલા જાહેર કર્યો છે, તેથી મને લાગ્યું કે મારે તેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ.”
મતદાન કરવા આવ્યા પહેલા રાજેન્દ્ર પ્રસાદે તેની પડોશમાં રહેતી મહિલા પાસેથી કપડા માંગ્યા, તેની પાસેથી શાલ, નેકલેસ અને બુટ્ટી પણ લીધી. આ પહેર્યા બાદ સનગ્લાસીસ પહેરી તેઓ મતદાન કરવા ગયા. સાથે તેઓ પોતાના હાથમાં ભારતના બંધારણની કોપી લઈને મતદાન મથકે પહોંચ્યા હતા.
શુક્રવારે કેરળની તમામ 20 લોકસભા સીટો પર મતદાન પૂર્ણ થયું હતું.