ગુરુગ્રામમાં એક ઘરમાં દીપડો ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ…..
ગુરુગ્રામ: જંગલની આજુબાજુ આવેલા વિસ્તારો અને ઘરોમાં દીપડાઓ જોવા મળે એ સામાન્ય બાબત છે પણ પરંતુ ગુરુગ્રામમાં દીપડો ઘરમાં ઘૂસી જતા ત્યાંના લોકો ડરી ગયા હતા. ગુરુગ્રામના નરસિંહપુર ગામમાં બુધવારે સવારે એક દીપડો એક ઘરમાં ઘુસી ગયો હતો અને ત્યાંથી બહાર નીકળતો નહોતો. અચાનક ઘરમાં દીપડો આવી જવાના કારણે ઘરના લોકો ડરી ગયા હતા.
આ ઘટના અંગે ગુરુગ્રામ પોલીસ અને વન વિભાગને જાણ કરવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ આખી ટીમ આવી પહોંચી અને ઘરની બહાર મોટી જાળી અને જરૂરી વસ્તુઓ સાથે દીપડાને પકડવાનું કામ શરૂ કર્યું હતું. જો કે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયા પર ઘણો વાઈરલ થયો હતો. વાઈરલ વિડીયોમાં જોવા મળે છે કે દીપડો કેવી રીતે ઘરમાં ઘૂસીને કૂદાકૂદ કરે છે.
ઘણા લોકો વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દીપડાનું આ રીતે ઘરમાં ઘૂસવું ખૂબ જ જોખમી છે. જો બાળકો ઘરમાં રમતા હોય તો તેઓ આવી પરિસ્થિતિમા સમજી શકતા નથી કે તેમને શું કરવું અને દીપડો તેમના પર હુમલો પણ કરી શકે છે.
તો વળી એક યુઝરે મસ્તીના મૂડમાં લખ્યું હતું કે દીપડાને કદાચ બનાવેલી રસોઈ જમવી હશે. એટલે જ ઘરે આવ્યો હશે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે આ વિસ્તારમાં આવી ઘટનાઓ ખૂબ જ સામાન્ય છે. જ્યારે ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે જો તમે જંગલમાં બિલ્ડીંગ અને દ્વારકા એક્સપ્રેસ વે બનાવશો તો તે ઘરોની અંદર જ આવશે.