ગુજરાતમાં અમિત શાહના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, કહ્યું તકલીફ બેઠકમાં નહિ તમારામાં | મુંબઈ સમાચાર

ગુજરાતમાં અમિત શાહના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, કહ્યું તકલીફ બેઠકમાં નહિ તમારામાં

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચુંટણી માટે મતદાન યોજવવાનું છે. જેની માટેના પ્રચાર પડધમ 5 મે અને રવિવારના રોજ સાંજે શાંત પડશે. જેના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છોટા ઉદેપુરમાં ચુંટણી સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથે લીધી હતી. તેમણે રાહુલ ગાંધી પર અમેઠીની બેઠક બદલીને રાયબરેલી જવા પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે તકલીફ બેઠકમાં નથી પરંતુ ખુદ રાહુલ ગાંધીમાં છે.

રાહુલ ગાંધી અમેઠી જવાને બદલે રાયબરેલી દોડી આવ્યા

અમિત શાહે જણાવ્યું કે, આ કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે. તેમના નેતા રાહુલ બાબા છે. જ્યારે તેઓ અમેઠીમાં હારી ગયા ત્યારે તેઓ વાયનાડ ગયા હતા. હવે તેઓ વાયનાડમાં હારવાના છે, તેથી અમેઠી જવાને બદલે તેઓ રાયબરેલી દોડી આવ્યા છે. રાહુલ બાબા મારી તમને એક સલાહ છે, સમસ્યા બેઠકમાં નથી, સમસ્યા તમારામાં છે. રાયબરેલીમાં પણ તમે જંગી મતોથી હારશો.

આ લોકો માત્ર જૂઠું બોલવાનું જાણે છે

ગૃહમંત્રીએ કહ્યું, એક-એક વર્ષ માટે સત્તાનું વિભાજન કરનાર ઘમંડી ભારતનું ગઠબંધન શું દેશને સુરક્ષિત રાખી શકશે? જો કોરોના જેવી આફત આવે તો શું તે દેશને બચાવી શકશે ? શું કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કરી શકશે? આદિવાસીઓનું કલ્યાણ કરી શકશે? આ લોકો માત્ર જૂઠું બોલવાનું જાણે છે.

ભાજપે ગીતાબેન રાઠવાને મેદાનમાં ઉતાર્યા

ઉલ્લેખનિય છે કે, છોટા ઉદેપુરની લોકસભા બેઠક અનુસૂચિત જાતિ કેટેગરી માટે અનામત છે. આ બેઠક પરથી ભાજપે ફરી એકવાર ગીતાબેન રાઠવાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તે 2019માં પણ અહીંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ એક આદિવાસી પ્રભુત્વવાળી બેઠક છે. જ્યાં આદિવાસી રાઠવા મતદારોની સંખ્યા સૌથી વધુ છે, તેથી જ મુખ્ય પક્ષો અહીંથી રાઠવા સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે.

Back to top button