Harda Factory Blast ને લઈને સરકાર હરકતમાં, પોલીસ અધિકારીને હટાવાયા, CM યાદવ કરશે પીડિતોની મુલાકાત

ભોપાલ: હરદા ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની (Harda Factory Blast) ઘટનાને લઈને હવે મોહન યાદવ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલે કાર્યવાહી કરતાં પોલીસ અધિકારી સંજીવ કુમાર કંચનને હટાવી દેવાયા છે. સરકાર તરફથી આ સંદર્ભે આદેશ કર્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન યાદવે (CM Mohan Yadav) આ મામલે કડક પગલાં ભરવાની વાત કરી હતી.
આપને જણાવી દઈએ કે આ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ગઈ કાલે ભોપાલથી લગભગ 150 કિલોમીટર દૂર હરદા શહેરની બહાર મગરધા રોડ પર બૈરાગઢ વિસ્તારમાં સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં બની હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કેસી પાર્ટેએ જણાવ્યું કે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને ફાયર એન્જિનની મદદથી નીચે લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે.
અધિકારીઓએ દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું છે કે બે ફેક્ટરી માલિકોની પોલીસે માંગવારે ધરપકડ કરી હતી અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ સાથે જ આ ઘટનાના સબંધમાં અન્ય એક વ્યક્તિની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવ બુધવારે હરદામાં ઘાયલ લોકો અને મૃતકોના પરિવારજનોને મળશે. ઉલ્લેખનીય છે કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નજરે જોનારાઓએ દાવો કર્યો હતો કે અવાજ એટલો પ્રચંડ હતો જે 25 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને ઘટનાસ્થળેથી થોડે દૂર લોકોની ભયાનક હાલતમાં લોશો જોવા મળી હતી.
ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની વિગતવાર તપાસ કરવા માટે રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ (ગૃહ)ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિને સંબંધિત અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે.