નેશનલવેપાર

સોનામાં રૂ. 299ની અને ચાંદીમાં રૂ. 394ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે પ્રવર્તમાન મધ્ય પૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સલામતી માટેની માગને ટેકે એક તબક્કે સોનાના ભાવ વધીને ગત 18 ડિસેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં વધ્યા મથાળેથી ધીમો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હતો.

જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં 43 પૈસાનો તોતિંગ કડાકો બોલાઈ જતા સોનાની આયાત પડતરો પણ વધી આવતા ભાવ 10 ગ્રામદીઠ રૂ. 298થી 299 વધી આવ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 394 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 394 વધીને રૂ. 88,434ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં મુખ્યત્વે ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો ગબડી જતાં આયાત પડતરો વધવાથી 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 298 વધીને રૂ. 76,328 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 299 વધીને રૂ. 76,635ના મથાળે રહ્યા હતા. જોકે, આજે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી, પરંતુ રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની માગ જળવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ એક તક્કે વધીને ગત 18 ડિસેમ્બર પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 2635.83 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને 2650.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 0.6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. વધુમા આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 29.85 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Also Read – વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 411નો અને ચાંદીમાં રૂ. 389નો ચમકારો

એકંદરે હાલ બજારમાં વર્ષાન્તને કારણે કામકાજો પાંખાં હોવાની સાથે પ્રવાહિતા પણ ઓછી હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું. આ વર્ષમાં ફેડરલ રિઝર્વ આ વર્ષે તેમ જ આગામી વર્ષ 2025માં વ્યાજદરમાં નોંધપાત્ર કપાત કરવાના આશાવાદ સાથે વર્ષ 2024માં અત્યાર સુધી સોનાના ભાવમાં 28 ટકા જેટલો વધારો થયો છે અને ગત 31 ઑક્ટોબરના રોજ ભાવ વધીને આૈંસદીઠ 2790.15 ડૉલર સુધી પહોંચ્યા હતા. જોકે, ફેડરલ રિઝર્વે છેલ્લી નીતિવિષયક બેઠકમાં આગામી વર્ષમાં ઓછી વખત વ્યાજદરમાં કપાતનો સંકેત આપતા ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button