નેશનલ

ચીનમાં જિનપિંગે મંત્રાલયના અનેક ઉચ્ચ અધિકારીઓની કરી ધરપકડ કરી

વિદેશ પ્રધાન બાદ હવે સંરક્ષણ પ્રધાન પણ થયા ગાયબ

પડોશી દેશ ચીનમાં બધું બરાબર નથી. ચીનમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા તેમના વિદેશ પ્રધાન ગુમ થયા હતા. હવે એમ જાણવા મળ્યું છે કે ચીનના સંરક્ષણ પ્રધાન પણ ગાયબ થઇ ગયા છે. સંરક્ષણ પ્રધાન લી શાંગ ફુના ગાયબ થયા બાદ જિનપિંગ સરકાર હચમચી ગઈ છે. લી શાંગ ફુ ગુમ થતાની સાથે જ રક્ષા મંત્રાલયના ટોચના અધિકારીઓની મોટા પાયે ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જિનપિંગને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેથી આ જિનપિંગની તેમના વિરોધીઓને દબાવવાની યોજના હોઈ શકે છે. ધરપકડ કરાયેલા લોકોમાં સંરક્ષણ વિભાગના વડાઓ પણ સામેલ છે. આ બધી ધરપકડ અનુશાસનહીનતાના નામે કરવામાં આવી છે.

આ વર્ષે આ બીજી ઘટના છે, જ્યારે ચીનમાં VVIP ગુમ થયા હોય. આ પહેલા ચીનના વિદેશ મંત્રી પણ અચાનક ગાયબ થઈ ગયા હતા. જિનપિંગને સમજનારા દાવો કરી રહ્યા છે કે આ ઘટનાઓ પાછળ જિનપિંગનો હાથ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાની નજીકના લોકોને જ રસ્તામાંથી દૂર કરવા માટે કુખ્યાત છે. આ ચીની સરમુખત્યારે તેના ઘણા નજીકના લોકોને દુનિયાની નજરથી છુપાવી દીધા જે ભવિષ્યમાં તેની સરકાર માટે ખતરો બની શકે છે.

લી શાંગ ફુ છેલ્લે 29 ઓગસ્ટના રોજ જોવામાં આવ્યા હતા. તેમણે બેઇજિંગમાં ચીન-આફ્રિકા ફોરમના મંચ પરથી ભાષણ આપ્યું હતું. 29 ઓગસ્ટની સાંજથી લી શાંગ ફુ વિશે કોઈ માહિતી નથી. એવા પણ સમાચાર છે કે લી શાંગ ફુ પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. રક્ષા મંત્રી બનતા પહેલા લી શાંગ ફુ મિલિટરી ઇક્વિપમેન્ટ ડેવલપમેન્ટ વિભાગના મંત્રી હતા. રક્ષા મંત્રી બન્યા બાદ વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન લી શાંગ ફુ પર નિયમો તોડવાનો આરોપ લાગ્યો હતો. એવું માનવામાં આવે છે કે ચીનના સંરક્ષણ પ્રધાનને ચોક્કસ હેતુ માટે ગુમ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button