ઇમરાન ખાનના પક્ષની પાકિસ્તાનની ચૂંટણીમાં બહુમતી, સરકાર રચવાનો દાવો
ઇસ્લામાબાદ: ઇમરાન ખાનના પાકિસ્તાન તહરીકે ઇન્સાફે પાકિસ્તાનની ચૂંટણીમાં પોતાને બહુમતી મળી હોવાનો અને કેન્દ્ર તેમ જ પ્રાંતોમાં પોતાની સરકાર રચવાનો શુક્રવારે દાવો કર્યો હતો.
પાકિસ્તાન તહરીકે ઇન્સાફના ચીફ ઓર્ગેનાઇઝર ઉમર અયુબ ખાન અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફના સંસદીય નેતા બેરિસ્ટર અલી ઝાફરે ગુરુવારે મોડી રાતે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સંસદીય ચૂંટણીના પ્રાથમિક પરિણામ બહુ જ સારા હતા અને દેશભરમાં અમને ભારે બહુમતી મળવાની આશા જન્મી છે.
તેઓએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાને પાકિસ્તાનને નવો માર્ગ બતાવ્યો છે. દેશભરમાં, ખાસ કરીને કરાચીમાં ચૂંટણી પ્રક્રિયામાં સતત અવરોધ ઊભા કરાયા હતા. પાકિસ્તાન તહરીકે ઇન્સાફના
નેતાઓએ ચેતવણી આપી હતી કે મતદાનની સાથે બંધ-બારણે ચેડાં કરવાના કોઇ પણ પ્રયાસ જોખમી સાબિત થઇ શકે છે.
પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ૩૩૬ બેઠકમાંથી ૨૬૬ બેઠક પર ગુરુવારે મતદાન યોજાયું હતું અને બાકીની ૬૦ બેઠક મહિલાઓ માટે તેમ જ ૧૦ બેઠક લઘુમતી કોમના લોકો માટે અનામત રખાઇ છે. આ અનામત બેઠકો વિજયી રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વના પ્રમાણના આધારે ફાળવાશે.
પાકિસ્તાન તહરીકે ઇન્સાફના આ બે નેતાએ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમના રાજકીય પક્ષ પીએમએલ-એન પર આક્ષેપ કર્યો હતો કે ‘લંડન પ્લાન’ હેઠળ ભાગેડું (નવાઝ શરીફ)ને પાછા સ્વદેશ લવાયા છે. (એજન્સી)