
દર મહિનાની પહેલી તારીખે અનેક નિયમોમાં ફેરફાર થાય છે, જેની સીધેસીધી અસર લોકોના ખિસ્સા પર જોવા મળે છે. આવી સ્થિતિમાં પહેલી જુલાઈથી કયા કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે એ જાણી લેવું તમારા માટે મહત્વનું રહેશે.
મળતી માહિતી મુજબ પહેલી જુલાઈથી રેલવેના નિયમો, પેન-આધાર કાર્ડ સંબંધિત નિયમો તેમ જ એટીએમ અને ક્રેડિટ કાર્ડ સહિતના અનેક નિયમોમાં ફેરફાર જોવા મળશે. આ નિયમ વિશે જાણી લેશો તો તમારા માટે ફાયદાનો સોબો સાબિત થશે. ચાલો જોઈએ કયા છે આ બદલાઈ રહેલાં નિયમો-

રેલવેમાં ટિકિટભાડામાં થશે વધારો
પહેલી જુલાઈથી રેલવે ટિકિટના ભાડામાં વધારો કરવામાં આવશે. જોકે, આ ભાવવધારો નજીવો જ હશે. રેલવે દ્વારા ટિકિટના ભાવમાં અડધા પૈસાથી લઈને 2 પૈસા કિમીનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પહેલી જુલાઈથી આધાર વેરિફાઈડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે.
પેન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત
પહેલી જુલાઈથી પેન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પેન કાર્ડ બનાવવા માટે વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જ ફરજિયાત રહેશે. આ સાથે પેન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે.
HDFC Bank ક્રેડિટ કાર્ડનો નિયમ બદલાશે
પહેલી જુલાઈથી એચડીએફસી ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમમાં પણ ફેરફાર કરવામાં આવશે. બદલાયેલા નવા નિયમ અનુસાર હવે એચડીએફસી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરનારા લોકોને એક ટકાનો ચાર્જ આપવો પડશે અને યુટિલિટી બિલ પેમેન્ટ પર પણ હવે ચાર્જ ચૂકવવો પડશે.
ICICI Bankના એટીએમ કાર્ડ માટે નવો નિયમો
આજથી આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ કાર્ડ સંબંધિત નિયમમાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે ગ્રાહકોને બેંકના એટીએમ કાર્ડનો ઉપયોગ કરવો થોડું મોંઘું પડશે. નવા નિયમ અનુસાર લિમીટથી વધુ કેશ ઉપાડવા પર રૂપિયા 23નો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે ફ્રી એટીએમમાં ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પાંચ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી છે જ્યારે મેટ્રો સિટીમાં તેની લિમિટ 3 ટ્રાન્ઝેક્શનની રહેશે.