સોનું ખરીદવા માટે આવ્યા મહત્ત્વના સમાચાર, જાણો શું છે?
સરકાર સસ્તામાં વેચી રહી છે સોનુ જલદી રોકાણ કરી દો
આપણા ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જાણીતો છે અને દેશમાં સોનાની ખપત પણ ઘણી છે. એને ધ્યાનમાં રાખીને સોનાનું વેચાણ કરવામાં આવે છે તેથી તમે પણ જો સોનાની ખરીદી કરવાનું કે સોનાની કોઇ સ્કીમમો રોકાણ કરવાનું વિચારતા હો તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા ભાવે સોનું વેચવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં તમને બજાર ભાવ કરતા ઓછા ભાવે સોનું મળશે. આ અંગેની માહિતી ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 11 સપ્ટેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)નું વેચાણ કરવા જઇ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ SGBનો બીજો હપ્તો હશે. આ બોન્ડની ઈશ્યૂ કિંમત 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સરકારે ઓનલાઇન અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારાઓને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે અને તેમની માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,873 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે.
સોવરિન ગોલ્ડ બોન્ડનો આ ઇશ્યુ 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે. બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્સચેન્જો BSE અને NSE દ્વારા આ બોન્ડનું વેચાણ કરવામાં આવશે.
સામાન્ય રીતે લોકોનું સોનુ તેમના સેફ ડિપોઝીટ વોલ્ટમાં જ પડ્યું રહે છે, જેના બદલે આ પેપર સોનુ ઘણુ સુલભ છે. પરંપરાગત સોનાની માંગ ઘટાડવાના ભાગરૂપે ગોલ્ડ બોન્ડનું વેચાણ સૌપ્રથમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવ્યું હતું.