
નવી દિલ્હીઃ જ્ઞાનવાપીનો મામલો હવે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ અલાહાબાદ હાઇ કોર્ટના આદેશ સામે જ્ઞાનવાપી મેનેજમેન્ટ કમિટીની અપીલ સાંભળવા માટે સંમત થઇ છે. હવે હાઇ કોર્ટના આદેશ વિરુદ્ધ વડી અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે અમે આને મુખ્ય કેસ સાથે ટેગ કરીશું. જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરતી સમિતિ અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ દ્વારા સર્વોચ્ય અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
ગયા વર્ષે ૧૯ ડિસેમ્બરના રોજ અલાહાબાદ હાઇ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ જ્યાં ઊભી છે તે સ્થળે મંદિરના જીર્ણોદ્ધાર માટે ૧૯૯૧ના દાવાની જાળવણીને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે વિવાદિત સ્થળના ધાર્મિક પાત્રનો નિર્ણય માત્ર કોર્ટ જ લઇ શકે છે.
તેણે મસ્જિદ સમિતિ અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા વર્ષોથી દાખલ કરવામાં આવેલી- જાળવણીક્ષમતા અને મસ્જિદ પરિસરના સર્વેક્ષણ સામે- પાંચ સંબંધિત અરજીઓને ફગાવી દીધી હતી.
કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાનો અધિકાર માગતા અરજીકર્તાઓ દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ અરજદારોએ પૂજાના સ્થળો(વિશેષ જોગવાઇઓ) અધિનિયમને ટાંકીને તેની જાળવણીને પડકારી હતી.