નેશનલ

Important News Alert: દિવસમાં આટલા કલાકનો Break લેશે રામ લલ્લા…

22મી જાન્યુઆરીના 200 વર્ષની પ્રતિક્ષા બાદ આખરે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ રંગેચંગે પાર પડ્યો અને હવે રામ લલ્લાના દર્શને જનારા ભક્તો માટે અયોધ્યાથી મહત્ત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે દિવસનો એક કલાક રામ લલ્લા આરામ કરશે અને એ સમયે તેઓ ભક્તોને દર્શન નહીં આપે.

મંદિરમાં રામ લલ્લાની પૂજા કરી રહેલાં પૂજારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે રામ લલ્લા પાંચ જ વર્ષના છે અને તેઓ 18-18 કલાક સુધી જાગી શકે એમ નથી, એના કારણે તેમના પર તાણ પડી શકે છે. પરિણામે થોડા સમય માટે તેમને વિરામ આપવામાં આવે. આ જ અનુસંધાનમાં ટ્રસ્ટ દ્વારા 16મી ફેબ્રુઆરીથી દિવસમાં એક કલાક માટે રામ લલ્લાને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આચાર્ય સત્યેન્દ્ર દાસે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે રામ લલ્લા માત્ર પાંચ જ વર્ષના છે અને તેમને સતત 18-18 કલાક સુધી તાણમાં ના રાખી શકાય. પરિણામે રામ લલ્લાને થોડો આરામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રામ લલ્લાને દરરોજ બપોરે 12.30 વાગ્યાથી 1.30 કલાક સુધી આરામ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રામ લલ્લા ભક્તોને દર્શન નહીં આપે. આવું કરવાથી રામ લલ્લાને આરામ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિષ્ઠા પહેલાં દર્શનનો સમય સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધીનો હતો અને એમાં પણ બપોરે 1.30 કલાકથી 3.30 કલાક સુધી બે કલાકની વિશ્રાંતી આપવામાં આવતી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે આ જ વર્ષે જાન્યુઆરી મહિનાની 22મી તારીખે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસથી જ મંદિર સામાન્ય ભક્તો માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા પહોંચે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button