પંદરમી માર્ચે વડા પ્રધાન મોદીની મહત્ત્વની બેઠક
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખની રાજકીય પક્ષોની સાથે હવે આમ જનતા પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. દેશની સત્તાધારી પાર્ટી સાથે વિરોધી પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવારની યાદી જારી કર્યાની વચ્ચે ચૂંટણી પંચના કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યા પછી સૌને ચોંકાવી દીધા હતા, જ્યારે હવે ચૂંટણી પંચમાં ફક્ત એક મુખ્ય ચૂંટણી કમિશનર બચ્યા છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પંદરમી માર્ચે મહત્ત્વની બેઠક યોજવામાં આવશે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરી શકાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એક પસંદગી સમિતિ દ્વારા ફાઈનલ ઉમેદવારની પસંદગી કરી શકે છે. આ સમિતિમાં વડા પ્રધાન દ્વારા નિયુક્ત એક કેન્દ્રીય પ્રધાન અને લોકસભામાં વિપક્ષના નેતાનો સમાવેશ થાય છે.
હવે મહત્ત્વની વાત જણાવીએ તો ચૂંટણી પંચમાં બે ચૂંટણી કમિશનર અને એક મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણ લોકો હોય છે, પરંતુ હાલમાં ત્રણ પદ ખાલી છે.
સત્તાવાર રીતે ગોયલનું રાજીનામું આપવાનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ વિભિન્ન બાબતોને લઈ ચાલી રહેલા મતભેદને કારણે ગોયલે પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગોયલ અને મુખ્ય ચૂંટણી કમિશનરની વચ્ચે મતભેદ ચાલી રહ્યા હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ છતાં રાજીનામું અંગત કારણસર આપ્યું હોવાનું જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે પસંદગી સમિતિ 13 અથવા 14 માર્ચે મળી શકે છે અને 15 માર્ચ સુધીમાં નિમણૂકો થવાની સંભાવના છે. CEC (ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા) અને EC (ઈલેક્શન કમિશનરની નિમણૂક પર તાજેતરમાં નવો કાયદો ઘડવામાં આવ્યો તેના પહેલાં સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે છે અને પરંપરા પ્રમાણે સૌથી સિનિયરને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરાય છે.