EAM જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થઇ મહત્વપૂર્ણ બેઠક
વિદેશ પ્રધાન (EAM) એસ જયશંકરે ગુરુવારે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી હતી. બંનેએ ભારત અને ચીન વચ્ચેના બાકી રહેલા સરહદી મુદ્દાઓને ઉકેલવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીત સરહદ વિવાદ અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમની મીટિંગ પછી જયશંકરે કહ્યું હતું કે બંને પક્ષો આ મુદ્દાઓને ઉકેલવા માટે રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા તેમના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવા સંમત થયા છે.
અગાઉ, જયશંકરે બુધવારથી શરૂ થયેલી બે દિવસીય સમિટમાં SCO સભ્યો તાજિકિસ્તાન અને રશિયા અને નવા સભ્ય બેલારુસના વિદેશ પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદના મુદ્દાઓને ઉકેલવા માટે પ્રયત્નો બમણા કરવા સંમત થયા હતા. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન યોજાયેલી આ બેઠકમાં જયશંકરે વાંગને કહ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું સન્માન કરવું અને સરહદી વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. બંને પક્ષો વચ્ચેના સંબંધો પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતા પર આધારિત હોવા જોઈએ, એવા ભારતના મતનો પણ જયશંકરે પુનરોચ્ચાર કર્યો હતો.
તમને વિચાર આવતો હશે કે આ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન શું છે? તો 1991 માં યુએસએસઆરના 15 સ્વતંત્ર દેશોમાં વિસર્જન સાથે, આ ક્ષેત્રમાં ઉગ્રવાદી ધાર્મિક જૂથો અને વંશીય તણાવની ચિંતાઓ સામે આવી હતી. આ મુદ્દાઓનું સંચાલન કરવા માટે, સુરક્ષા બાબતો પર સહકાર માટે એક જૂથ બનાવવામાં આવ્યું હતું. આના આધારે, SCOની સ્થાપના 15 જૂન, 2001ના રોજ આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન અને તાજિકિસ્તાન એમ પાંચ દેશ હતા. પછી તેમાં છઠ્ઠા સભ્ય તરીકે ઉઝબેકિસ્તાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમાં બીજા ત્રણ દેશ-ભારત, ઇરાન, પાકિસ્તાન જોડાયા હતા. અફઘાનિસ્તાન, બેલારુસ અને મંગોલિયા આ ત્રણ દેશ ઓબ્ઝર્વરનો દરજ્જો ધરાવે છે.
Also Read –