ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે થઇ મહત્વની બેઠક, સરહદ પર શાંતિ સ્થાપશે?
આજે સાંજે 5 વાગ્યે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે થયેલી વાતચીતમાં બન્ને દેશોની સરહદ કાર્યવાહી મુદ્દે ચર્ચા કરવામાં આવી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન બન્ને દેશોએ 10મી મેના રોજ યુદ્ધવિરામ માટે સહમતી આપી દીધી હતી. આજે સાંજે 5 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરે વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન બન્ને દેશો સરહદ પર ગોળીબાર ના કરવા અને એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ તેવી ચર્ચા થઈ હતી. આ બન્ને દેશોએ એકબીજાની વાતને સ્વીકારી હતી. જેથી હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થાય તેવું લાગી રહ્યું છે.
સરહદ પર ગોળીબાર ના કરવા બન્ને દેશો થયા સહમત
ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમતિ વ્યક્ત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ પાકિસ્તાન પોતાના નાપાક હરકતો ક્યારેય મુકવાનું નથી. જેથી ભારત પહેલા પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખે તેવું પણ લાગી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ભારત હવે પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને પીઓકે મુદ્દે જ વાત કરશે!
ભારતીય સેનાએ પ્રેસ કરીને ઓપરેશન સિંદૂરની વિગતો આપી
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઠેકાણાઓને શોધીને ધ્વસ્ત કર્યાં હતાં. ભારતે પહેલેથી જ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે હતું પરંતુ પાકિસ્તાને તેને પોતાના પર લીધું જેથી ભારતે પાકિસ્તાનને પણ સારો એવો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીની ભારતીય સેના દ્વારા પ્રેસ કરીને વિગતો આપવામાં આવી હતી. આજે પણ ભારતીય સેનાએ પ્રેસ કરીને કહ્યું કે, આ ભારતે કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના 35થી 40 સૈનિકો માર્યા ગયાં છે.
પાક. સાથે માત્ર આતંકવાદ અને પીઓકે મુદ્દે જ વાત થશેઃ પીએમ મોદી
ભારતના વડાપ્રધાને પણ આજે રાષ્ટ્રને સંબોધન કરતા પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું છે. ભારત આતંકવાદ સામે લડવાનું શરૂ જ રાખશે. પાકિસ્તાન સાથે હવે માત્ર આતંકવાદ અને પીઓકે મુદ્દે જ વાત કરવામાં આવશે. સ્વાભાવિક છે કે, પાકિસ્તાન સાથે હવે ભારત હળવો વ્યવહાર નહીં રાખે! જેથી પાકિસ્તાને પોતાના દેશમાં રહેતા આતંકવાદીઓને ખતમ કરવા પડશે, બાકી વડાપ્રધાનના કહ્યાં પ્રમાણે આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર યથાવત જ રહેશે.