ગ્રીન હાઈડ્રોજન ટેકનોલૉજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે ગુજરાત યુએઈ વચ્ચે મહત્ત્વની ચર્ચા

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત યુ. એ. ઈ.ના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી હતી. મુખ્ય પ્રધાને ગુજરાત અને યુએઈના પરસ્પર સહયોગ અંગે ચર્ચા દરમિયાન ગ્રીન હાઈડ્રોજન ટેકનોલૉજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે પણ યુએઈ-ગુજરાત સાથે મળીને આગળ વધી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
યુ. એ. ઈ. 2017થી વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે અને યુએઈના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે એમ થાની બિન અહેમદે જણાવ્યું હતું.
ગુજરાતના ગિફ્ટ સિટી, ધોલેરા સર અને ડાયમંડ બુર્સ જેવા પ્રકલ્પો ઉપરાંત રિન્યૂએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન વગેરેમાં પણ મિનિગફુલ પાર્ટનરશિપ થઈ શકે તેમ છે એવું આ બેઠકની ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
સઉદી અરેબિયાના મંત્રી સાથે આવેલા બિઝનેસ ડેલીગેશનના સભ્યોએ ગુજરાતમાં તેમના ઉદ્યોગોને જે સહયોગ મળ્યો છે તે માટે રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અપ્રોચની સરાહના કરી હતી.
મુખ્ય પ્રધાને આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે યુએઈની કંપનીઓ માટે રેલવે, રોડ-રસ્તાઓ, પોર્ટ્સ અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો રહેલી છે.
ગિફ્ટ સિટીમાં રોકાણની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાતને UAE અને ભારત તેમ જ ગુજરાત વચ્ચે મિત્રતાના મજબૂત બોન્ડીંગનો લાભ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.