ચૈત્ર મહિનો અને ચૈત્રીય નવરાત્રીનું આરોગ્યની દષ્ટિએ મહત્વ, જાણો શું કહે છે શાસ્ત્રો…

હિંદુ તહેવારામાં નવરાત્રીના તહેવારનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે એક નવરાત્રી વસંતમાં આવે છે જેને ચૈત્ર નવરાત્રી પણ કહેવાય છે, જ્યારે બીજી નવરાત્રી શરદ ઋતુમાં આવે છે જેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે નવરાત્રીમાં દેવી દૂર્ગાના નવ રૂપોની આરાધાના કરવાનું ધાર્મિક મહત્વ રહેલું છે. હિંદુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025 થી શરૂ થશે અને 06 એપ્રિલ 2025 સુધી ચાલુ રહેશે. આ નવ દિવસો દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે જેથી દરેક ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે.
આ પણ વાંચો : આ છે દુનિયાના સૌથી મોંઘા ફળ, આટલામાં તો આવી જશે…
ચૈત્ર મહિનો ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણ માટે તથા સ્વાસ્થ્યની બાબતમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૈત્ર નવરાત્રીએ ઋતુ પરિવર્તનનો સમય છે, જેથી આ દરમિયાન શરીરને સ્વસ્થ રાખવા માટે હળવો અને સરળતાથી પાચન થઈ શકે તેવો ખોરાક ખાવો જોઈએ અને વધુ પાણી પીવું જોઈએ. ચૈત્ર નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. તમને જણાવી દઈએ કે, ઉપવાસ ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરે છે.
ચૈત્ર મહિના દરમિયાન ઋતુ પરિવર્તન થાય છે
ચૈત્ર નવરાત્રી લોકોની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલો તહેવાર છે. આ તહેવારમાં ભક્તો ઉપવાસ કરીને દેવી દૂર્ગાની આરાધના કરતા હોય છે. ચૈત્ર મહિનામાં ઋતુ પરિવર્તન થાય છે, જેનો આપણાં શરીર પર ખાસ પ્રભાવ પડે છે. આયુર્વેદ પ્રમાણે આ સમયગાળો શરીરને શુદ્ધ કરવા અને સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે અનુકૂળ માનવામાં આવે છે. આ સમયે હળવો અને સાત્વિક આહાર લેવાથી અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
ભૂલથી પણ આ વસ્તુ તો ન જ ખાતા!
શાસ્ત્રો પ્રમાણે ચૈત્ર મહિનામાં માત્ર એકલું દૂધ ના પીવું જોઈએ, દૂધને કોઈ અન્ય વસ્તુ સાથે પીવું જોઈએ જેમ કે તમે દૂધમાં ખાંડ નાખીને પી શકો છો. આ ઉપરાંત ખૂબ મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. આ મહિને ગોળ ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ. આ મહિનામાં ખાટી વસ્તુઓ ખાવાની પણ મનાઈ કરવામાં આવેલી છે, મૂળ અર્થ એ છે કે, જે ખોરાક પાચનતંત્ર માટે ભારે હોય તે ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે આ મહિનામાં મીઠું (નમક) ઓછું ખાવું જોઈએ એવું પણ કહેવામાં આવ્યું છે. આ મહિનામાં લીંબડાનો મૉર પીવો ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.