
નવી દિલ્હીઃ ન્યાયાધીશ વર્માને હટાવવા માટે મહાભિયોગ લાવવવામાં આવ્યો છે. લોકસભામાં સરકાર અને રાજ્યસભામાં વિપક્ષે વર્માને હટાવવાનો પ્રસ્તાવ આપ્યો છે પરંતુ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ચિત્ર બદલાઈ ગયું છે. હવે રાજ્યસભામાં નિર્ણય ઉપસભાપતિ હરિવંશ સિંહે કરવાનો છે.
હાલ અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માને પદ પરથી હટાવવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ હતા ત્યારે તેમના રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં રોકડ મળી હતી.
જેના કારણે તેમના પર ભ્રષ્ટાચારની કાળી ટીલી લાગી હતી પરંતુ તેમ છતાં તેઓ રાજીનામું આપવા તૈયાર નહોતા. આ સ્થિતિમાં યશવંત વર્માને તેમના પદ પરથી હટાવવા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં સરકાર દ્વારા તેમની સામે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું…
સત્તાપક્ષના 152 સાંસદોએ તેમની સામે મહાભિયોગ પર પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે રાજ્યસભામાં 63 સાંસદોએ પણ મહાભિયોગ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
વર્માને પદ પરથી હટાવવાનો શ્રેય લેવા સત્તાપક્ષ અને વિપક્ષ બંને તૈયાર છે પરંતુ જગદીપ ધનખડે સોમવારે રાત્રે રાજીનામું આપ્યા બાદ શું થશે તેના પર સૌની નજર છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ જસ્ટિસ વર્માને હટાવવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવાની જવાબદારી હવે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પર આવી ગઈ છે.
વિરોધ પક્ષ દ્વારા જસ્ટિસ વર્માને હટાવવા માટે લાવવામાં આવેલા પ્રસ્તાવને તેઓ સ્વીકારે છે કે નહીં, તેના પર જ આગળની કાર્યવાહી નિર્ભર રહેશે.
બંધારણ અનુસાર, જો સંસદના બંને ગૃહોમાં એક જ દિવસે કોઈ પ્રસ્તાવ આવે, તો બંને ગૃહોના અધ્યક્ષો બેઠક કરીને ત્રણ સભ્યોની સમિતિની રચના કરે છે. ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968 હેઠળ, જો કોઈ પ્રસ્તાવ બંને ગૃહોમાં એક જ દિવસે રજૂ કરવામાં આવે તો તેની પ્રક્રિયા અલગ હોય છે.
આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નિવૃત્તિની યોજના અંગે મોટી જાહેરાત કરી, જાણો શું કહ્યું…
જો આવા પ્રસ્તાવો બંને ગૃહોમાં અલગ-અલગ તારીખો પર રજૂ કરવામાં આવે, તો જે પ્રસ્તાવ પહેલા ગૃહમાં રજૂ કરવામાં આવે છે, તેને જ વિચારણામાં લેવામાં આવે છે અને બીજો પ્રસ્તાવ બિન-અધિકારક્ષેત્રીય બની જાય છે. જો પ્રસ્તાવ ફક્ત એક જ ગૃહમાં રજૂ કરવામાં આવે, તો તે ગૃહના પીઠાધિકારીને પ્રસ્તાવ પર વિચાર કરવા અને તેને સ્વીકાર કે અસ્વીકાર કરવાનો અધિકાર હોય છે.
ન્યાયધીશ વર્માના કિસ્સામાં, સંસદના બંને ગૃહોમાં એક જ દિવસે પ્રસ્તાવો લાવવામાં આવ્યા છે. લોકસભામાં સરકાર પ્રસ્તાવ લાવી છે, જ્યારે રાજ્યસભામાં વિરોધ પક્ષે તે રજૂ કર્યો છે, પરંતુ તેને હજુ સુધી સ્વીકારવામાં આવ્યો નથી.
જ્યાં સુધી આવા પ્રસ્તાવો બંને ગૃહોમાં સ્વીકારવામાં ન આવે, ત્યાં સુધી કોઈ સમિતિની રચના કરવામાં આવશે નહીં. જો આવો પ્રસ્તાવ બંને ગૃહોમાં સ્વીકારી લેવામાં આવે, તો તપાસ સમિતિની રચના સંયુક્ત રીતે કરવામાં આવે છે.