
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોરની અસર હવે દેખાવા લાગી છે. જેના પગલે ભારતમાંથી અમેરિકા થતી નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ અનુસાર ઓગસ્ટ 2025માં 7 ટકાના વધારા બાદ સપ્ટેમ્બર માસમાં નિકાસમાં 11. 9 ટકાનો નોધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના લીધે અમેરિકામાં વેપારી માલની નિકાસ ઘટીને 5.5 બિલિયન ડોલર થઈ છે. તેમજ અમેરિકા દ્વારા વધેલા ટેરિફ પહેલાં શિપમેન્ટ લોડ ન કરવામાં આવ્યા હોત તો આ ઘટાડો વધુ મોટો હોત.
અમેરિકન સિવાયના બજારોમાં ભારતની નિકાસમાં વધારો
આ અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં અમેરિકન સિવાયના બજારોમાં ભારતની નિકાસમાં 10.9 ટકાનો વધારો થયો હતો. જે ઓગસ્ટ 2025માં 6.6 ટકાથી વધારે છે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદવાના નિર્ણયને પગલે અમેરિકામાં નિકાસમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત ક્રિસિલે ચેતવણી આપી છે કે અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો અને વૈશ્વિક વૃદ્ધિમાં વ્યાપક મંદીને કારણે ભારતની વેપારી નિકાસ પડકારોનો સામનો કરી રહી છે.
વેપાર ખાધ જીડીપીના એક ટકા રહેશે
આ ઉપરાંત વિશ્વ વેપાર સંગઠનના અંદાજ મુજબ વર્ષ 2025માં વૈશ્વિક વેપારી વેપારનું પ્રમાણ 2.4 ટકા વધશે. જે 2024માં 2.8 ટકા હતું. આ પડકારો છતાં ક્રિસિલ અપેક્ષા રાખે છે કે મજબૂત સેવાઓ નિકાસ, સ્થિર રેમિટન્સ પ્રવાહ અને નીચા ક્રૂડ ઓઇલના ભાવને કારણે ભારતની વેપાર ખાધ સીમિત રહેશે. વિશ્વ વેપાર સંગઠને તેની આગાહીમાં કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં વેપાર ખાધ જીડીપીના એક ટકા રહેશે. જે ગત વર્ષના 0.6 ટકા કરતા વધારે છે.