નેશનલ

આઇએમએફની આગાહી ભારતનો આર્થિક વિકાસ વધશે, વિશ્ર્વનો ઘટશે

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ઇન્ટરનેશનલ મનેટરી ફંડ – આઇએમએફ)એ ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ અગાઉની ધારણા કરતાં વધુ રહેવાની, પરંતુ વિશ્ર્વનો સરેરાશ આર્થિક વૃદ્ધિદર ઘટવાની આગાહી કરી હતી.

આઇએમએફએ ચેતવણી આપી હતી કે વ્યાજદર વધુ હોવાથી, યુક્રેન પરના રશિયાના આક્રમણ, વિશ્ર્વમાં ભૂરાજકીય વિવાદ અને ઇઝરાયલ – હમાસના યુદ્ધને લીધે વિશ્ર્વનું અર્થતંત્ર ધીમું પડશે.

વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં વૈશ્ર્વિક વૃદ્ધિદર ત્રણ ટકા થવાનો અંદાજ હતો, જે ઘટાડીને ૨.૯ ટકા કરવામાં આવ્યો હતો. આગામી વર્ષ ૨૦૨૪-૨૦૨૫નો જીડીપી વૃદ્ધિદર પણ ત્રણ ટકાથી થોડો ઘટાડ્યો છે.

તેણે ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ અગાઉના ૬.૧ ટકાથી વધારીને ૬.૩ ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે મંગળવારે ‘વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલૂક’ અહેવાલમાં આ સુધારેલો અંદાજ રજૂ કર્યો હતો.

અહેવાલમાં જણાવ્યું હતું કે છૂટક ભાવ પર આધારિત ફુગાવો ૨૦૨૩-૨૦૨૪માં વધીને ૫.૫ ટકા થશે, જે ૨૦૨૪-૨૦૨૫માં ઘટીને ૪.૬ ટકા થવાની આશા છે.

તેણે જણાવ્યું હતું કે ભારતમાં એપ્રિલ – મે – જૂનમાં અપેક્ષા કરતાં વધુ ખપત થઇ હોવાથી ૨૦૨૩-૨૦૨૪માં જીડીપી વૃદ્ધિદર ૬.૩ ટકા થવાનો અને ૨૦૨૪-૨૦૨૫માં પણ ૬.૩ ટકા રહેવાનો અંદાજ છે.

ભારતીય રિઝર્વ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષમાં ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ૫.૪ ટકા અને જીડીપી વૃદ્ધિદર ૬.૫ ટકા રહેવાનો અંદાજ રજૂ કર્યો હતો.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અને ૨૦૨૪-૨૦૨૫માં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૧.૮ ટકા રહેવાની આઇએમએફની ધારણા છે.

આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગોરિન્ચાસે મોરક્કોમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું
હતું કે છેલ્લાં કેટલાક દિવસમાં ખનિજ તેલની કિંમતમાં ચાર ટકાનો વધારો થયો છે, જો ૧૦ ટકાનો વધારો થશે, તો વૈશ્ર્વિક આર્થિક વિકાસદરમાં ૦.૧૫ ટકા ઘટાડો થશે અને વૈશ્ર્વિક ફુગાવાના દરમાં ૦.૪ ટકાનો વધારો થશે.

વર્ષ ૨૦૨૦માં કોવિડ-૧૯ના રોગચાળાને પગલે વૈશ્ર્વિક મંદી આવી હતી, જેમાંથી વિશ્ર્વ હજી બરાબર બહાર આવી નથી શક્યું, એવા સમયે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ – હમાસના યુદ્ધે કટોકટી ઊભી કરી છે.

આઇએમએફએ અમેરિકાના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ વધારીને ૨.૧ ટકા અને આગામી નાણાકીય વર્ષનો અંદાજ ૧.૫ ટકા રહેવાની આગાહી કરી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button