નેશનલ

ફેબ્રુઆરીમાં જ દેખાશે ફાગણની અસર; બદલાતા હવામાન અંગે હવામાન વિભાગનું એલર્ટ…

નવી દિલ્હી: આ વર્ષે શિયાળામાં જ ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. વર્ષ 2025ની શરૂઆતમાં જ શિયાળાને બદલે ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર ફેબ્રુઆરી મહિનો સામાન્ય કરતાં વધુ ગરમ અને શુષ્ક રહેશે. લોકોને ફેબ્રુઆરીમાં હાડ થિજવતી ઠંડીથી રાહત મળશે પણ આ દરમિયાન દેશના અનેક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે.

ફેબ્રુઆરી બાદ વધશે તાપમાન
ભારતીય હવામાન વિભાગના અનુસાર ફેબ્રુઆરી મહિનો સામાન્ય કરતાં વધુ ગરમ અને શુષ્ક રહેશે. આ દરમિયાન લોકોને ઠંડીથી રાહત મળશે, પરંતુ આ મહિને દેશના અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે ગરમ અને શુષ્ક જાન્યુઆરી બાદ ભારતના મોટાભાગના ભાગોમાં ફેબ્રુઆરીમાં સામાન્ય તાપમાનથી ઉપર અને સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે.

Also read : Budget 2025: બજેટના ઈતિહાસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને તથ્યો…

જાન્યુઆરીમાં ઓછો વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ અને દ્વીપકલ્પીય ભારતના કેટલાક ભાગો સિવાય મોટાભાગના ભાગોમાં ફેબ્રુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની આગાહી છે. IMD ના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય અને દ્વીપકલ્પીય ભારતના કેટલાક ભાગો સિવાય મોટાભાગના પ્રદેશોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે ભારતમાં જાન્યુઆરીમાં સરેરાશ 4.5 મીમી વરસાદ પડ્યો હતો, જે 1901 બાદ ચોથો સૌથી ઓછો અને 2001 પછી ત્રીજો સૌથી ઓછો વરસાદ છે.

1901 બાદ જાન્યુઆરીમાં સૌથી વધુ તાપમાન
જાન્યુઆરીમાં દેશનું સરેરાશ તાપમાન 18.98 સે. જેટલું રહ્યું હતું, જે જાન્યુઆરીમાં 1901 બાદનું ત્રીજું સૌથી વધુ તાપમાન હતું. આ પૂર્વે IMDએ આગાહી કરી હતી કે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ઉત્તર ભારતમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં રવિ પાક શિયાળામાં (ઓક્ટોબરથી ડિસેમ્બર) ઉગાડવામાં આવે છે અને ઉનાળામાં (એપ્રિલથી જૂન) લણણી કરવામાં આવે છે. આ પાકોના વિકાસ માટે પશ્ચિમી વિક્ષોભને કારણે પડતો શિયાળુ વરસાદ લાભદાયક નીવડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button