
નવી દિલ્હી : ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતી છે. પંજાબ, બિહાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.
જેમાં પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે 43 લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે દિલ્હીમાં વરસાદે દાયકાનો રેકોર્ડ તોડ્યો છે. તેમજ દિલ્હી અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે.
પંજાબમાં 43 થી વધુ લોકોના મોત
પંજાબમાં પૂરને કારણે તબાહી મચી ગઈ છે. 1900 થી વધુ ગામ તેનાથી પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં 43 થી વધુ લોકોના મોત થયા છે. જયારે લાખો એકર ખેતીલાયક જમીન નાશ પામી છે.
તેમજ ખરીફ પાકને મોટા પાયે નુકસાન થયું છે. પશુધનને પણ તણાયું છે. જયારે સરકારે રાજ્યને આપત્તિ ગ્રસ્ત જાહેર કર્યું છે. તેમજ રાહત અને બચાવ કામગીરીમાં તેજી લાવવામાં આવી છે.
દિલ્હીના અનેક વિસ્તારોમાં યમુનાના પાણી ઘુસ્યા
જયારે દેશની રાજધાની દિલ્હી, નોઈડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બનીછે. યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહેતી હોવાથી ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. વહીવટીતંત્ર દ્વારા કેટલાક લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
તેમજ યમુના નદીના સતત વધી રહેલા જળસ્તરથી તંત્ર એલર્ટ મોડ પર
છે. આ અંગે સરકારના જણાવ્યા મુજબ પૂર્વ દિલ્હીમાં 7,200 લોકો પ્રભાવિત થયા છે. જયારે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 5,200 લોકો માટે 13 શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. જયારે દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં 4,200 લોકો પ્રભાવિત થયા હતા અને 8 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં જયપુર અને અજમેરમાં ભારે વરસાદ
જયારે રાજસ્થાનમાં જયપુર સહિત વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. જેના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે જયપુર, ચિત્તોડગઢ, જાલોર, નાગૌર, અજમેર, પ્રતાપગઢ, ભીલવાડા સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. જયપુરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જયારે અજમેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.