નેશનલ

Monsoon 2024 : દેશમાં સક્રિય થઈ રહ્યું છે ચોમાસું, આ નવ રાજયમાં વરસાદની આગાહી

નવી દિલ્હી : દેશમાં ધીમી ગતિએ આગળ વધી રહેલું ચોમાસું(Monsoon 2024)હવે સક્રિય બન્યું છે. જેમાં હવામાન વિભાગ( IMD)ની આગાહી અનુસાર નવ રાજયોમાં ચોમાસું સક્રિય થયું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું આગળ વધશે. હવામાન વિભાગે પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી પડી શકે છે.

ચોમાસું છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં પહોંચ્યું

હવામાન વિભાગે (IMD) એ મંગળવારે માહિતી આપી હતી કે આગામી 3 દિવસમાં ગુજરાત અને ઉત્તર અરબી સમુદ્રના કેટલાક અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ જણાય છે. આ ઉપરાંત ચોમાસું મધ્યપ્રદેશના કેટલાક અન્ય ભાગોમાં પણ આગળ વધી શકે છે. ચોમાસું છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં પહોંચી શકે છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ તેની અસર થવાની સંભાવના છે.

આજે ક્યાં ક્યાં વરસાદ પડશે

IMD કહે છે કે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 5 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 29 જૂન સુધીમાં પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદ થઈ શકે છે.

IMD અનુસાર, બિહાર અને ઓડિશામાં 26 અને 29 જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 27 અને 29 જૂને ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ગંગાના પશ્ચિમ બંગાળમાં 29 જૂન, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 26 થી 29 જૂન, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 28 અને 29 જૂન, પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં 27 થી 29 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

સોમવારે સાંજે દિલ્હીમાં આકાશ વાદળછાયું રહ્યું હતું અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જ્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે. બપોર સુધી વાતાવરણ ભેજયુક્ત રહ્યું હતું, પરંતુ સાંજે હળવા વરસાદે ભેજમાંથી રાહત આપી હતી. હવામાન વિભાગે 28 જૂન સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button