ઇતિહાસ રચાયો! 93 વર્ષના ઇતિહાસમાં IMA દેહરાદૂનમાંથી પાસ આઉટ થનાર પ્રથમ મહિલા ઓફિસર બની 23 વર્ષીય સાઈ જાધવ…

ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી (IMA), દહેરાદૂન માટે ડિસેમ્બર, 2025 ખૂબ જ ખાસ અને ઐતિહાસિક રહ્યું હતું કારણ નવ દાયકા કરતાં પણ લાંબા સમય બાદ આ એકેડેમીમાંથી પહેલી વખત એક મહિલા ઓફિસર પાસ આઉટ થઈ હતી. 23 વર્ષની સાઈ જાધવે આ ઈતિહાસ રચ્યો છે. 1932માં સ્થાપિત આઈએમએમાંથી અત્યાર સુધી 67 હજારથી વધુ ઓફિસર પાસ આઉટ થઈ ચૂક્યા છે, પણ એમાંથી એક પણ મહિલા નથી. સાઈએ આ દિવાલ તોડીને પોતાને નામે એક નવો ઈતિહાસ રચ્યો છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી…
સાઈ જાધવ આઈએમએ, દહેરાદૂનમાંથી 93 વર્ષ બાદ પાસ આઉટ થનારી પહેલી મહિલા ઓફિસર તો છે જ પણ એની સાથે સાથે તેની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણે કે તે તેના પિતા મેજર સંદિપ જાધવ ભારતીય ટેરિટોરિયલ આર્મી (TA)માં સાથે સેવા આપનારી પહેલી પિતા-પુત્રીની જોડી બની ગઈ છે. બંને 164 ઈન્ફેન્ટ્રી બટાલિયન, હોમ એન્ડ હાર્થ બટાલિયન, નાગાલેન્ટમાં તહેનાત છે.
આ પણ વાંચો: સરકારના નિર્ણય સામે MARD, IMA અને MSRDA દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધઃ ગુરુવારે રાજ્યવ્યાપી હડતાળની ચીમકી
સાઈને ટીએમાં લેફ્ટિનેન્ટ તરીકે કમિશન મળ્યું છે અને તે આઈએમએમાંથી પાસ આઉટ થઈને ટીએમાં સામેલ થનારી પહેલી મહિલા ઓફિસર બની ગઈ છે. એક ઈન્ટરવ્યુમાં સાઈએ જણાવ્યું હતું કે મારા પિતા, મારા દાદાજી અને પરદાદાજીએ પણ સેનામાં સેવા આપી છે અને હું પણ આ પરંપરાને આગળ વધારવા માંગતી હતી. ગ્રેજ્યુએશન પૂરું થતાં જ મેં તૈયારીઓ શરૂ કરી હતી અને મારા પિતાએ મને ગાઈડ કર્યું.
સાઈની ચાર પેઢીઓ સેનામાં છે. સાઈના પરદાદા સુબેદાર શંકરરાવ જાધવ બ્રિટીશ આર્મીમાંથી હતા અને તેના પિતાના મામ અનિલ ઘાટગે ઈન્ડિયન એર ફોર્સમાં ફાઈટર પાઈલટ હતા. મેજર સંદિપ જાધવ ટીએમાં 15 વર્ષથી સેવા આપી રહ્યા છે અને પહેલાં બિહાર રેજિમેન્ટ, મદ્રાસ રેજિમેન્ટ, મદ્રાસ રેજિમેન્ટ અને ગ્રેનેડિયર્સમાં સેવા આપી ચૂક્યા છે.
આ પણ વાંચો: હોમિયોપથીના ડૉક્ટર એલોપેથીની પ્રેક્ટિસ કરશે, IMA નો વિરોધ…
વાત કરીએ સાઈના પરિશ્રમની તો સાઈએ જયસિંગપુર, (કોલ્હાપુર)માંથી સ્કુલિંગ કર્યું હતું. કોયંબટુરથી 10મું પાસ કર્યું અને કોલ્હાપુરથી ગ્રેજ્યુએશન. હાલમાં તે સિમ્બાયોસિસથી ડિસ્ટન્સ લર્નિંગથી એમબીએ કરી રહી છે. 2023માં ગ્રેજ્યુએશન બાદ તેણે તૈયારીઓ શરૂ કરી.
ઓક્ટોબર, 2024માં એસએસબી ક્લિયર કર્યું અને ઓલ ઈન્ડિયા વુમન ઓફિસર એન્ટ્રીમાં મેરિટ લિસ્ટમાં ટોપ કર્યું છે. આઈએમએની પાસિંગ આઉટ પરેડમાં સાઈનું કમિશન થવું ભારતીય સેનામાં મહિલાઓ માટે એક નવા અધ્યાયનો આરંભ છે, એવું કહીએ તો બિલકુલ ખોટું નહીં ગણાય.



