IIM Rohtak: ડિગ્રી પર સવાલો બાદ IIM રોહતકના ડિરેક્ટર પર વધુ એક ગંભીર આરોપ, તપાસના આદેશ
નવી દિલ્હી: થોડા મહિનાઓ અગાઉ કેન્દ્ર સરકારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) એક્ટમાં સુધારો કર્યો હતો, જેમાં દેશમાં આવેલી 20 IIMના કામકાજ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી હતી. એવામાં શિક્ષણ મંત્રાલયે નાણાકીય અનિયમિતતાના આરોપોની તપાસ કરવા માટે IIM-રોહતકના ખાતાઓની તપાસ શરૂ કરી છે.
સંસ્થા પર આરોપ છે કે સંસ્થાએ ગેરકાયદેસર રીતે રૂ. 2 કરોડ તેના ડિરેક્ટરના ખાતામાં ‘વેરીએબલ પે’ તરીકે ટ્રાન્સફર કર્યા હતા. મંત્રાલયે બે મહિના કરતાં ઓછા સમય પહેલાં તેના પ્રિન્સિપલ ચીફ કંટ્રોલર ઑફ એકાઉન્ટ્સને(PCA) IIM-રોહતકના ડિરેક્ટર ધીરજ શર્મા દ્વારા “વેરિયેબલ પે” ના રૂપમાં ભંડોળની ઉચાપતના આરોપોની તપાસ કરવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી લેવાના આરોપ અંગે પણ PCAને “વિગતવાર અહેવાલ” સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
2017 માં IIM રોહતકના ડિરેક્ટર તરીકે તેમની પ્રારંભિક ટર્મને માટે તેમની શૈક્ષણિક લાયકાતોને ખોટી રીતે રજૂ કરવા બદલ ધીરજ શર્મા વિરુદ્ધ પહેલેથી જ તપાસ થઇ રહી છે. આ પદ માટે માટે પ્રથમ-વર્ગની સ્નાતકની ડિગ્રીની જરૂર હતી, પરંતુ તેમણે અંડરગ્રેજ્યુએટ સ્તરે સેકન્ડ ડિવિઝન મેળવ્યું હતું.
જયરે તેમણે પોતાનો પ્રથમ કાર્યકાળ પૂર્ણ કર્યો ત્યારે સરકારે માર્ચ 2022માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આ વિસંગતતાનો સ્વીકાર કર્યો હતો. તેમના શૈક્ષણિક ઓળખપત્રો વિશેના ઘટસ્ફોટને કારણે સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નર્સ (BoG) પર મંત્રાલયના પ્રતિનિધિ તરફથી વાંધો હોવા છતાં ધીરજ શર્માને ફેબ્રુઆરી 2022 માં બોર્ડ દ્વારા બીજી મુદત માટે સંસ્થાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તાજેતરની ફરિયાદ અનુસાર, સંસ્થા પર બોર્ડની મંજૂરી વિના વર્ષ 2018-19 અને 2019-20 માટે “વેરીએબલ પે” તરીકે શર્માના ખાતામાં 2 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.
ગયા વર્ષે જુલાઈમાં ચોમાસા સંસદ સત્ર દરમિયાન શિક્ષણ મંત્રાલયે IIM એક્ટ માટે સુધારા બિલ રજૂ કર્યંક હતું, આ સુધારા બીલ પાસ થયા બાદ પાંચ વર્ષ પહેલા 2018માં IIM એક્ટના અમલ સાથે 20 IIMને આપવામાં આવેલી સ્વાયત્તતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.