IIM કોલકાતાના ડાયરેક્ટરની જાતીય સતામણીના આરોપસર હકાલપટ્ટી
કોલકાતા સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર-ઇન-ચાર્જ સહદેવ સરકાર પર જાતીય સતામણીના આરોપોને પગલે સંસ્થાએ તેમને ડાયરેક્ટર પદ પરથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. મંગળવારે જ આ મામલે IIM-C દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IIMની આંતરિક ફરિયાદ સમિતિની ભલામણ મુજબ સહદેવ સરકાર સામે પગલા લેવામાં આવ્યા છે. તેમની સામેના આરોપો અંગે હજુ તપાસ ચાલુ છે. હકાલપટ્ટી બાદ તેમની જગ્યાએ હવે સંસ્થાના સૌથી વરિષ્ઠ ફેકલ્ટી સભ્ય પ્રોફેસર સૈબલ ચટ્ટોપાધ્યાયની ડાયરેક્ટર-ઇન-ચાર્જ પદે નિમણુક કરી દેવામાં આવી છે.
IIM-Cની આંતરિક ફરિયાદ સમિતિએ સહદેવ સરકાર વિરુદ્ધ કામના સ્થળે જાતીય સતામણીની ફરિયાદ વિશેનો કાયદો POSH ACT-2013 હેઠળ કાર્યવાહી કરી છે. પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદ વિશે યોગ્ય તપાસની જરૂરિયાત લાગતા આંતરિક ફરિયાદ સમિતિએ IIMના બોર્ડ ઓફ ગવર્નન્સ સામે પણ આ મામલે રજૂઆત કરી હતી. જે પછી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઔપચારિક તપાસ ચાલુ હોય ત્યાં સુધી તેમને ડાયરેક્ટર પદેથી હટાવી લેવામાં આવે જેથી ફરિયાદ સામે નિષ્પક્ષ તપાસ થઇ શકે.
IIM-Cના બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા 6 જાન્યુઆરીના રોજ એક ખાસ બેઠક યોજવામાં આવી હતી જેમાં આંતરિક ફરિયાદ સમિતિના સભ્યોએ બોર્ડના સભ્યો સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપોને પગલે સહદેવ સરકારને ડાયરેક્ટર-ઇન-ચાર્જ પદ પર યથાવત રાખી શકાય નહિ. તેમની પાસેની તમામ વહીવટી સત્તાઓ લઇ લેવામાં આવે. ઔપચારિક પૂછપરછ તથા કોઇપણ કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન તેઓ પદનો વહીવટ સંભાળી શકે નહિ, તેમ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
આ હકાલપટ્ટી સાથે જ સહદેવ સરકાર ત્રીજા એવા ડાયરેક્ટર-ઇન-ચાર્જ બન્યા છે જે તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. તેમની પહેલા માર્ચ 2021માં અંજુ સેઠ એ તેમની ટર્મના 4 વર્ષ બાદ રાજીનામું આપી દીધું હતું, એ પછી ઉત્તમકુમાર સરકારે ઓગસ્ટ 2023માં 2 વર્ષના કાર્યકાળ બાદ રાજીનામું આપી દીધું હતું.