નેશનલ

‘કંઇ પણ બોલીએ તો ઘરો પર બુલડોઝર ચલાવી દે છે…’ આ પિતાપુત્રે ભારતથી ભાગીને પાકિસ્તાનમાં કેમ લીધું શરણ?

દેશની રાજધાની દિલ્હીમાં રહેતા અને પોતાનું ઘર ધરાવતા એક પિતાપુત્રની જોડીએ કથિતપણે ધાર્મિક અત્યાચારનો આક્ષેપ કરી ભારતથી ભાગીને અફઘાનિસ્તાનની બોર્ડર પાર કરીને ગેરકાયદે પાકિસ્તાનમાં ઘુસી ત્યાં શરણ લીધું હોવાના સમાચાર મીડિયામાં ચમક્યા છે. આ બંને કહી રહ્યા છે કે તેમણે લાંબા સમય સુધી ત્રાસ અને ધાર્મિક અત્યાચાર સહન કર્યો હતો અને તેનાથી કંટાળીને તેમણે ભારત છોડીને ભાગી જવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનની પોલીસે ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે 70 વર્ષીય મોહમ્મદ હસનૈને અને તેમના 31 વર્ષના પુત્ર ઇશાક આમીરે પાકિસ્તાન-અફઘાન બોર્ડરથી ગેરકાયદે ઘુસીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો છે. બંનેએ લગભગ 14 દિવસ પહેલા બલોચિસ્તાનના ચમન પ્રાંતમાં ઘુસ્યા હતા. હાલ બંનેને પોલીસે કસ્ટડીમાં લઇ કરાચીના ઇધી વેલફેર ટ્રસ્ટના આશ્રય ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે.


મોહમ્મદ હસનૈને જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓ અમને જેલમાં નાખે તો અમે તેના માટે તૈયાર છીએ, અમે કોઇપણ પ્રકારના દસ્તાવેજ વગર આવ્યા છીએ પરંતુ અમે અહીં શરણ લેવા માગીએ છીએ. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે નવી દિલ્હીના ગૌતમપુરી વિસ્તારના તેઓ રહેવાસી છે. ત્યાં તેમનું ઘર છે. તેમજ તેઓ લાંબા સમય સુધી ધાર્મિક અત્યાચારનો શિકાર બન્યા હતા.


અમને કરાચી પોલીસ સ્ટેશન પહોંચતા 14 દિવસ લાગ્યા હતા અને અમે ત્યાંના પોલીસ સ્ટેશને જઇને આત્મસમર્પણ કરી દીધું. 5 સપ્ટેમ્બરે નવી દિલ્હીથી રવાના થયા હતા, તેમને અફઘાન દૂતાવાસમાંથી વિઝા મળ્યા હતા. વિઝા મળ્યા બાદ તેઓ કાબુલ ગયા અને કાબુલથી બાયરોડ તેઓ ચમન સરહદ દ્વારા પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા.


એક અફઘાન એજન્ટે તેમને સરહદ પાર કરાવવામાં મદદ કરી હતી. તેમણે એક ટેક્સી ડ્રાઇવરને કરાચી પહોંચાડવા માટે 60,000 રૂપિયા ચુકવ્યા હતા. કરાચીના DIG એ જણાવ્યું હતું કે બંને જાસૂસ હોય તેવી કોઇ શંકા નથી, બંને ધાર્મિક અત્યાચારના પીડિત હોય તેવું લાગી રહ્યું છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ મામલે કોઇ નિવેદન આપ્યું નથી.


પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ મોહમ્મદ હસનૈને જણાવ્યું હતું કે ભારતમાં જો મુસલમાનો કોઇ વાતનો વિરોધ કરતા પકડાઇ જાય તો તેનું ઘર ગેરકાયદે છે તેવું કહીને બુલડોઝર ફેરવી દેવાય છે. હું આ ત્રાસથી કંટાળી દેશ છોડનારો પહેલો વ્યક્તિ નથી, મારી પહેલા પણ ઘણા લોકો આવું કરી ચુક્યા છે. પરંતુ તેઓ અમીર હોવાને કારણે યુરોપ, બ્રિટન, અમેરિકા જેવા દેશોની નાગરિકતા હાંસલ કરવામાં સફળ રહ્યા. જ્યારે પોલીસે અમને પૂછ્યું શા માટે અમે આત્મસમર્પણ કરી રહ્યા છીએ ત્યારે અમે તેમને જણાવી દીધું હતું કે અમે ભારતથી ભાગીને આવ્યા છીએ. આ પછી પોલીસે તેમને ઇધી આશ્રયગૃહમાં મોકલી આપ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button