પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકાય તો યાત્રા કેમ નહીં? કેન્દ્રના નિર્ણયથી શીખ શ્રદ્ધાળુઓમાં નારાજગી | મુંબઈ સમાચાર
નેશનલ

પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકાય તો યાત્રા કેમ નહીં? કેન્દ્રના નિર્ણયથી શીખ શ્રદ્ધાળુઓમાં નારાજગી

અમૃતસર: ગુરુ નાનક દેવજીના પ્રકાશપર્વ (ગુરુપુરબ) પર પાકિસ્તાનમાં આવેલા પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માગતા શીખ શ્રદ્ધાળુઓને આ વર્ષે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળશે નહીં. ગૃહ મંત્રાલયે 12 સપ્ટેમ્બરના રોજ એક માર્ગદર્શિકા જાહેર કરીને પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નવેમ્બરમાં શ્રદ્ધાળુઓને પાકિસ્તાન યાત્રાની મંજૂરી ન આપવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે આ નિર્ણય પાછળ સુરક્ષાના કારણો દર્શાવ્યા છે. આ સાથે, મંત્રાલયે તાજેતરમાં થયેલા પહેલગામ આતંકી હુમલા અને “ઓપરેશન સિંદૂર” બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં વધેલા તણાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પાકિસ્તાન સાથે મેચ રમાય શકે છે તો….

ગૃહ મંત્રાલયના આ નિર્ણય બાદ પંજાબમાં રાજકીય આંધીના એંધાણ દેખાઈ રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આ નિર્ણયની સખત ટીકા કરતા કેન્દ્ર સરકાર પર “બેવડી નીતિ” અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “જો પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમી શકાય છે, તો પછી શીખ શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ અને નનકાના સાહિબ જતાં કેમ રોકવામાં આવી રહ્યા છે?”

સરકાર માટે ક્રિકેટ અને વેપાર પ્રાથમિકતા

ભગવંત માને સવાલ કર્યો કે શા માટે સરકાર માટે ક્રિકેટ અને વેપાર પ્રાથમિકતા છે, જ્યારે આસ્થા અને ભક્તિ પાછળ રહી જાય છે. તેમણે કહ્યું, કરતારપુર અને નનકાના અમારા માટે આસ્થાના પવિત્ર કેન્દ્રો છે, ન કે ક્રિકેટ કે વેપાર માટેનું મેદાન. રાજનીતિ અને રમત રાહ જોઈ શકે છે, પરંતુ ભક્તિ નહીં. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સાથે રમાતી મેચોથી થતી કમાણી આખરે આતંકવાદ અને નશાને પ્રોત્સાહન આપવામાં જ ઉપયોગી થશે.

શિરોમણી અકાલી દળે પુનઃ વિચાર કરવા અપીલ કરી

આ મુદ્દે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ગૃહ પ્રધાન અમિત શાહને આ નિર્ણય પર ફરી વિચાર કરવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, શીખ શ્રદ્ધાળુઓ શ્રી નનકાના સાહિબ પર માથું ટેકવવા આતુર છે. આ પવિત્ર અવસર પર તેમને રોકવાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી શરૂ થઈ ચૂક્યા છે, તો કરતારપુર કોરિડોરને પણ શ્રદ્ધાળુઓ માટે ખોલવા પર વિચાર થવો જોઈએ.”

આપણ વાંચો:  આસામમાં સિવિલ સેવા અધિકારીના નિવાસે દરોડા, બે કરોડથી વધુની સંપત્તિ જપ્ત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button