જો આ લક્ષણો દેખાય તો સમજો કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે..

આપણા શરીરને સતત સ્વસ્થ અને ચેતનવંતુ રાખવા માટે આપણને દરરોજ પોષક પદાર્થોની જરૂર પડે છે. આ પદાર્થોને લીધે જ આપણે બિમારીઓથી દૂર રહી શકીએ છીએ. જ્યારે પણ આપણા શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાય છે ત્યારે શરીર આપણને કેટલાક સંકેતો આપે છે અને આ સંકેતોને અવગણવાની ભૂલ ન કરવી જોઇએ. પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વોની જેમ મેગ્નેશીયમ પણ આપણા શરીર માટે અત્યંત જરૂરી છે. ત્યારે જાણીએ કે કયા એવા લક્ષણો છે કે જેનાથી એ ખ્યાલ આવે કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે.
વારંવાર આંખ ફડકે તો જાણવું કે મેગ્નેશીયમની ઉણપ છે. મેગ્નેશીયમ શરીરના મસલ્સને રિલેક્સ કરવામાં મદદ કરે છે. જ્યારે બોડીમાં આ મિનરલની કમી થાય છે તો મસલ્સનો સ્ટ્રેસ વધી જાય છે અને આંખ ફફડવાની સમસ્યા થવા લાગે છે.
માથામાં દુખાવાની સમસ્યા: મેગ્નેશીયમની ઉણપ ધરાવતા લોકોને માથાના દુખાવાની પણ સમસ્યા થાય છે. જો તમને વારંવાર માથાના દુખાવાની સમસ્યાઓ હોય તો આવા લક્ષણોમાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
ભૂખ ન લાગવી: મેગ્નેશીયમની ઉણપના કારણે સતત નબળાઇ અને થાક અનુભવાય છે. ભૂખમાં પણ ઘટાડો થાય છે.
પગમાં દુખાવો: જો રાત્રે સૂતી વખતે પગમાં દુખાવો અને ખેંચાણ અનુભવાય તો શક્ય છે તે મેગ્નેશિયમની કમીનું એક લક્ષણ હોય.
કબજીયાતની સમસ્યા: મેગ્નેશિયમ શરીરના આંતરડામાં પાણીનું પ્રમાણ વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા સારી રહે છે. જો વારંવાર કબજીયાતની સમસ્યા થઈ રહી છે તો મેગ્નેશિયમની કમી હોઈ શકે છે.