દેશમાં એક જ જાત હોય તો તમે ઓબીસી કેવી રીતે? રાહુલ ગાંધીએ કર્યો નરેન્દ્ર મોદીને સવાલ
139મા સ્થાપના દિને નાગપુરમાં કૉંગ્રેસની રેલીમાં ભારે ભીડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં કહે છે કે તેઓ ઓબીસી છે અને પછી જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે કહે છે કે ભારતમાં એક જ જાત છે અને તે છે ગરીબી. આવું હોય તો પછી નરેન્દ્ર મોદી ઓબીસી કેવી રીતે એવો સવાલ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના 139મા સ્થાપના દિવસે આયોજિત ‘હૈ તૈયાર હમ’ મહારેલીમાં કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે દિલ્હીમાં સત્તા પર આવીશું તો જાતી આધારિત જનગણના કરવામાં આવશે.
કૉંગ્રેસે 139મા સ્થાપના દિને ‘હૈ તૈયાર હમ’ રેલી સાથે લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂક્યું હતું. આ રેલીમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી ગણાવે છે. તેમની સરકાર ઓબીસી હોવાનું કહેતા હતા. પછી તેમને અમે પુછ્યું કે તમારી સરકારમાં કેટલા ઓબીસી લોકો છે? તેમની સરકારમાં કેટલા અધિકારી ઓબીસી અધિકારી છે? ત્યારે તેમણે કહ્યું કે દેશમાં ફક્ત એક જ જાત છે અને તે ગરીબી. આવું હોય તો પછી તેઓ પોતાની જાતને ઓબીસી કેમ ગણાવી રહ્યા છે?
નરેન્દ્ર મોદીની ટીકા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશ ફક્ત 90 લોકો ચલાવી રહ્યા છે. તેમાં આઈએએસ અધિકારી છે. તેઓ આખા બજેટનું નિયોજન કરે છે. મેં તેમને પુછ્યું કે આ 90 લોકોમાં કેટલા અધિકારી ઓબીસી અને દલિત છે. તેમાં ફક્ત ત્રણ અધિકારી ઓબીસી હોવાનું જાણવા મળ્યું છે. તો પછી આ કેવી ઓબીસી સરકાર? ભારતની સૌથી મોટી કંપની હોય તદેમાં કેટલા ઓબીસી સમાજ અને દલિત છે તે પણ સરકારે સ્પષ્ટ કરવું.
આઝાદી પહેલાં ભારતના બ્રિટિશ રાજ્ય અને રાજાશાહી હતી ત્યારે રાજા કહે તે સાચું એમ માનવામાં આવતું. અત્યારે પણ એવી જ સ્થિતિ છે. કોઈનું પણ અમારે સાંભળવાનું નહીં એવો નરેન્દ્ર મોદીનો સ્વભાવ છે, એવી ટીકા રાહુલ ગાંધીએ કરી હતી. પહેલાં દલિતોનો સ્પર્શ કરવો નહીં, એવી આરએસએસની વિચારધારા છે. હવે દેશ તે જ માર્ગ પર લઈ જવામાં આવી રહ્યો છે, એમ પણ તેમણે કહ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને થોડા દિવસ પહેલાં ભાજપનો એક સંસદસભ્ય મળ્યો હતો. તે મને કહેતો હતો કે રાહુલજી, હું ભાજપમાં હોવા છતાં મને સહન થતું નથી. મારું મન કૉંગ્રેસમાં છે. ભાજપમાં ગુલામી છે. ઉપરથી આદેશ આવે તે સહન કરવો પડે છે. ઉપરથી આવેલો આદેશ મન વિરુદ્ધ હોય તેમ છતાં તેનું પાલન કરવું જ પડે છે.
ભાજપની કાર્યપદ્ધતિ ઉપરથી આવતા આદેશનું પાલન કરવાની છે, જ્યારે કૉંગ્રેસની પદ્ધતિ તેનાથી એકદમ વિપરિત છે. અમારા પક્ષમાં સામાન્ય કાર્યકર્તા પણ નેતાનો વિરોધ કરી કે છે. અનેક કાર્યકર્તા મને કહે છે કે આ વસ્તુ અમને માન્ય નથી ત્યારે હું તેમનું સાંભળી લઉં છું. કૉંગ્રેસમાં ખરા અર્થમાં લોકશાહી છે.
આઝાદી પહેલાં દેશમાં પાંચસો-છસો વર્ષ સુધી રાજાઓ અને અંગ્રેજો હતા. ત્યારે સામાન્ય નાગરિકો પીસાઈ રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં બધા જ અધિકારો એકઠા હતા. રાજાને મનમાં જે આવે તેમ તે કરતો હતો. ત્યારે આરએસએસે ક્યારેય ભારતીય રાષ્ટ્રધ્વજનું સન્માન રાખ્યું નહોતું. કૉંગ્રેસના કેટલાય નેતાઓ જેલમાં ગયા હતા. આઝાદી બાદ દરેકે બધાને સમાન માન્યા હતા. દરેકને મતાધિકાર આપ્યો હતો. સામાન્ય હોય કે દલિત હોય, આદીવાસી હોય કે રાજા હોય બધાને કૉંગ્રેસે એક મતનો અધિકાર આપ્યો દરેકને સમાન સ્તરે લાવીને રાખ્યા, એમ તેમણે કહ્યું હતું.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિવીર યોજના પર પણ તેમણે ટીકા કરી હતી અને કહ્યું હતું કે યોજનાના માધ્યમથી ભાજપના યુવાનોની મજાક બનાવી રાખી છે, એમ પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું.