જો ટ્રેનમાં ઝઘડો થાય તો કોને ફરિયાદ કરશો? આ રહ્યો જવાબ…
ભારતીય રેલવેએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક છે અને દરરોજ લાખો-કરોડો લોકો આ ભારતીય રેલવેમાં મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. હવે ટ્રેનમાં મુસાફરી કરતાં હોવ અને ઝઘડો ના થાય તો જ નવાઈ. આપણે પણ ઘણી વખત કોઈ બે જણ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હોય એના સાક્ષી રહ્યા હોઈશું કે સોશિયલ મીડિયા પર આ ઝઘડા કઈ રીતે મારામારીનું સ્વરૂપ ધારણ કરી લે છે એના વીડિયો પણ જોયા હશે.
પરંતુ જો કોઈ તમને પૂછે કે ઝઘડો થાય તો એવા સંજોગોમાં ફરિયાદ કોને કરી શકાય તો શું તમને આ સવાલનો જવાબ ખબર છે? હવે કેટલાક લોકો આ સવાલનો જવાબ આપતા કહેશે કે ટ્રેનમાં ઝઘડો થાય તો એની ફરિયાદ રેલવે પોલીસ ફોર્સ (RPF)ને તો તમારો આ જવાબ સદંતર ખોટો છે.
આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સનું કામ ઈન્ડિયન રેલવેની સંપત્તિનું રક્ષણ કરવાનું છે, રેલવેની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરનારાઓને રોકવા જેવા કામો આરપીએફના ભાગે આવે છે. આ ઉપરાંત આરપીએફની બીજી એક જવાબદારી મહિલાઓ માટે અનામત કમ્પાર્ટમેન્ટમાં ગેરકાયદેસર પ્રવાસ કરતાં લોકોને અટકાવવા, ટ્રેનના છાપરા પર પ્રવાસ કરતાં અસામાજિક તત્ત્વોને અટકાવવા અને ગેરકાયદેસર ટ્રેનમાં સામાન વેચતા ફેરિયાઓ પર વોચ રાખીને તેમને રોકવાનું છે.
હવે તમને થશે કે તો પછી ભાઈસાબ આખરે ટ્રેનમાં ઝઘડો થાય તો ફરિયાદ કરવી કોને હેં ને? તો તમારા આ સવાલનો જવાબ છે કે જો ટ્રેનમાં કોઈ સાથે તમારો ઝઘડો થાય તો તમારે તરત જ આની જાણ ગવર્ન્મેન્ટ રેલવે પોલીસ એટલે કે જીઆરપીને કરવી જોઈએ. આવી ઘટનામાં કાર્યવાહી કરવાની સત્તા GRPને સોંપવામાં આવી છે. આ સિવાય જીઆરપીનું કામ રેલવે વિસ્તારમાં સુરક્ષાની ખાતરી કરવાનું છે.
આ ઉપરાંત રેલવેની હદમાં પેટ્રોલિંગની જવાબદારી પણ જીઆરપીને આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવેની હદમાં કોઈની પણ ધરપકડ કરવાનો રાઈટ ખાલીને ખાલી જીઆરપીને આપવામાં આવ્યો છે. અમુક કેસમાં જો આચરવામાં આવેલો ગુનો ગંભીર હોય તો જ જીઆરપી સિટી પોલીસને કેસ સોંપે છે. એટલે હવે તો તમારે પણ ટ્રેનમાં કોઈ સાથે ઝઘડો થાય તો આરપીએફને એની ફરિયાદ કરવાને બદલે જીઆરપી પાસે મદદ માંગશો તે વધારે યોગ્ય ગણાશે.