ICICI બેન્કના થાપણદારો ચિંતામાં, વિકલ્પ શું છે?, RBI શું કહે છે જાણો…

નિલેશ વાઘેલા
મુંબઇ: આઇસીઆઇસીઆઇ બેન્કે તેના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સની રકમ રૂ. ૫૦,૦૦૦ જાહેર કરી છે ત્યારથી થાપણદારો ચિંતામાં મુકાયા છે, કારણ કે આ રકમ ખાસ્સી મોટી છે અને જો તેમાં ચૂક થાય તો બેન્ક પેનલ્ટી લગાવતી હોય છે.
દેશની ખાનગી ક્ષેત્રની ટોચની બેન્કે બચત ખાતા માટે લઘુત્તમ બેલેન્સની રકમ અધધધ ૫૦,૦૦૦ રૂપિયા જાહેર કરી ત્યારથી એક સવાલ બચતકર્તાઓને સતાવી રહ્યો છે કે શું બેન્કો મન ફાવે એટલી રકમ નક્કી કરી શકે? શું આટલી મોટી રકમ આ રીતે બ્લોક કરવી યોગ્ય છે કે પછી અન્ય બેન્ક તરફ નજર દોડાવવી જોઇએ?
આ વિચારનું કારણ એ છે કે જ્યારે ખાનગી બેન્કો લઘુત્તમ બેલેન્સની રકમ વધારી રહી છે, ત્યારે જાહેર ક્ષેત્રની બેન્કો લઘુત્તમ બેલેન્સ ચૂકી જવા સામેનો દંડ માફ કરી રહી છે. જાણો આ વિશે આરબીઆઇ શું કહે છે?
આ પણ વાંચો: ICICI સેવિંગ એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રૂ.50 હજાર ફરજીયાત! કોને લાગુ પડશે આ નિયમ?
હાલમાં જ આઇસીઆઇસીઆઇ બેંકે નવા ખાતાઓ માટે તેની લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ (એમએએમબી)ની આવશ્યકતાઓમાં સુધારો કર્યો છે. મેટ્રો અને શહેરી વિસ્તારો માટે એમએએમબીની રકમ રૂ. ૧૦,૦૦૦થી વધીને રૂ. ૫૦,૦૦૦ કરવામાં આવી છે, જ્યારે અર્ધ-શહેરી શાખાઓમાં મર્યાદા રૂ. ૫,૦૦૦થી વધીને રૂ. ૨૫,૦૦૦ અને ગ્રામીણ શાખાઓમાં મર્યાદા રૂ. ૫,૦૦૦થી વધીને રૂ. ૧૦,૦૦૦ જાહેર કરવામાં આવી છે.
અલબત્ત નવા બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતામાં વધારો જાહેર થયા પછી ઉક્ત બેંકના શેરમાં વેચવાલીનું દબાણ વધ્યું છે અને તેના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આ સંદર્ભે રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રા કહે છે કે બેંકો પોતાનું લઘુત્તમ બેલેન્સ નક્કી કરવા માટે મુક્ત છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ એવી સ્પષ્ટતા કરી છે કે બચત ખાતાઓમાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ (એમએબી)ની રકમ કે પ્રમાણ અંગેનો નિર્ણય ફક્ત વ્યક્તિગત બેંકોનો પોતાનો હોય છે. સોમવારે ગુજરાતમાં એક નાણાકીય સમાવેશ કાર્યક્રમમાં બોલતા, આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ મુદ્દો કેન્દ્રીય બેંકના નિયમનકારી ક્ષેત્ર હેઠળ આવતો નથી.
આ પણ વાંચો: SBI, ICICI, HDFC બેંકોને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, તમારું પણ ખાતું હોય તો જાણી લેજો…
ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે વ્યક્તિગત બેંકો બચત ખાતાઓ માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સની આવશ્યકતા કે નિયમ નક્કી કરવાની સ્વાયત્તતા ધરાવે છે. કેટલીક ખાનગી બેંકો મિનિમમ એવરેજ બેલેન્સની રકમ વધારી રહી છે, ત્યારે સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, કેનેરા બેંક અને ઇન્ડિયન બેંક સહિત ઘણી સરકારી બેંકો નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ લાગુ થલારો દંડ માફ કરી રહી છે.