નવી દિલ્હી: OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સની પર તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ ‘IC 814 – The Kandahar Hijack ‘ વિવાદમાં સપડાઈ છે. સરકારે Netflix Indiaના કન્ટેન્ટ હેડને સમન્સ મોકલ્યું છે. અનુભવ સિંહ દિગ્દર્શિત આ સિરીઝ સત્ય ઘટના પર આધારિત છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીન દ્વારા 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટના હાઈજેકની વાર્તા આ સિરીઝમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
સિરીઝ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે વેબ સિરીઝના નિર્માતાઓ પર આરોપ લગાવ્યો કે ઇરાદાપૂર્વક હાઇજેકર્સના નામ બદલીને ભોલા’ અને ‘શંકર’ કરવાનો આરોપ મૂક્યો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલને સમન મોકલ્યું છે.
શું હતી IC 814 Hijack ઘટના:
વેબ સીરિઝમાં 24 ડિસેમ્બર, 1999ના રોજ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ 814ના હાઈજેક સાથે જોડાયેલા ઘટનાક્રમની વાર્તા રજુ કરવામાં આવી છે. આ પ્લેન, જેમાં 191 પેસેન્જર્સ સવાર હતા, વિમાને નેપાળના કાઠમંડુથી ઉડાન ભરી અને દિલ્હી જવા રવાના થયું હતું. ટેક-ઓફ પછી તરત જ, પેસેન્જર તરીકે આવેલા પાંચ હાઇજેકર્સે પ્લેનનો કબજો મેળવી લીધો હતો. બાદમાં પ્લેનને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યું હતું, એ પહેલાં પ્લેનને અમૃતસર, લાહોર અને દુબઈ ખાતે લેન્ડિંગ કર્યું હતું.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનની પુષ્પા 2 કરોડોમાં વેચાઈ, આ OTT પ્લેટફોર્મે રિલીઝ પહેલા જ રાઈટ્સ ખરીદ્યા
ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની સરકારને બંધકોની સુરક્ષિત મુક્તિ માટે ત્રણ આતંકવાદીઓ – મસૂદ અઝહર, અહમદ ઓમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ ઝરગરને ભારતીય જેલોમાંથી મુક્ત કરવાની ફરજ પડી હતી. તાલિબાનીઓએ હાઇજેકર્સને મદદ કરી હતી અને મુક્ત કરાયેલા આતંકવાદીઓને પાકિસ્તાન પહોંચી ગયા હતા.
વિવાદ વચ્ચે જાણો શું છે હકીકત?
અનુભવ સિંહા અને ત્રિશાંત શ્રીવાસ્તવ દ્વારા બનાવવામાં આવેલી આ વેબ સિરીઝ ફ્લાઇટના કૅપ્ટન દેવી શરણ અને પત્રકાર શ્રીંજોય ચૌધરી લિખિત પુસ્તક ‘ફ્લાઇટ ઇનટુ ફિયરઃ ધ કૅપ્ટન્સ સ્ટોરી’ પરથી પ્રેરિત છે. આ વેબ સિરીઝમાં નસીરુદ્દીન શાહ, વિજય વર્મા અને પંકજ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
6 જાન્યુઆરી, 2000ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાઇજેકર્સના નામ ઇબ્રાહિમ અથર, શાહિદ અખ્તર સૈયદ, સન્ની અહેમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઇબ્રાહિમ અને શાકિર હતા. અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હાઇજેકર્સ હંમેશા એક બીજાને કોડ નેમ (1) ચીફ, (2) ડોક્ટર, (3) બર્ગર, (4) ભોલા અને (5) શંકર તરીકે સંબોધતા હતા.
અઠવાડિયા સુધી ચાલેલા હાઇજેકિંગના ઘટનાક્રમને કવર કરનારા ઘણા પત્રકારોએ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટ્સ કરી કહ્યું છે કે હાઇજેકર્સ એકબીજાને સંબોધવા માટે આ નામોનો ઉપયોગ કરતા હતાં.
આ ઘટના પર આધારિત અન્ય એક પુસ્તક લખનાર પ્રત્રકાર નીલેશ મિશ્રા જણાવ્યું કે મારા પુસ્તકમાં આતંકવાદીઓના સાચા નામ, તેમના ફોટોગ્રાફ્સ, તેમના શહેરો, તેમના કોડ નામ, બધું જ છે.આ વેબ સિરીઝ મારા પુસ્તક પર આધારિત નથી. ન તો મેં આ સિરીઝ જોઈ છે અને ન તો હું તેનો કોઈ રીતે હિસ્સો છું. હું માત્ર એટલું જ કહી શકું છું કે હા, પાકિસ્તાની આતંકવાદીઓએ હાઇજેક દરમિયાન હિન્દુ કોડ નામોનો ઉપયોગ કર્યો હતો.
વિદેશ મંત્રાલયની વેબ સાઈટ પર IC 814 Hijack અંગેનો ગૃહ મંત્રાલયનો રીપોર્ટ મુકવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાઇજેકર્સ અનુક્રમે (1) ચીફ, (2) ડોક્ટર, (3) બર્ગર, (4) ભોલા અને (5) શંકરનાં કોડ નામથી સંબોધતા હતા.
વાંચો IC 814 Hijack પર ગૃહ મંત્રાલયનો રીપોર્ટ:
https://www.mea.gov.in/Speeches-Statements.htm?dtl/5481/Union+Home+Ministers+StatementIndian+Airlines+Flight+IC814