પૂજા ખેડકરને વધુ એક ફટકોઃ કોર્ટે આગોતરા જામીન નામંજૂર
નવી દિલ્હીઃ ઓબીસી અને પીડબ્લ્યુડી (વિકલાંગ વ્યક્તિ ) ક્વોટાના લાભો ખોટી રીતે મેળવવાના આરોપનો સામનો કરી રહેલ ભૂતપૂર્વ આઈએએસ પ્રોબેશનર પૂજા ખેડકરના આગોતરા જામીન દિલ્હીની એક અદાલતે ગુરુવારે નામંજૂર કર્યા હતા.
એડિશનલ સેશન્સ જજ દેવેન્દ્ર કુમાર જંગલાએ કહ્યું કે દિલ્હી પોલીસે “યુપીએસસી માંથી કોઈએ ખેડકરને મદદ કરી છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ”. ન્યાયાધીશે આ કેસની તપાસ વિસ્તૃત કરીને દિલ્હી પોલીસને અન્ય વ્યક્તિઓએ ઓબીસી અને પીડબ્લ્યુડી ક્વોટા હેઠળ હકદારી વિના લાભો મેળવ્યા છે કે કેમ તેની તપાસ કરવા નિર્દેશ આપ્યા છે.
યુપીએસસીએ બુધવારે ખેડકરની ઉમેદવારી રદ કરી હતી અને તેને ભવિષ્યમાં પરીક્ષા આપવા પર પાબંદી લગાવી હતી. ખેડકરના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કર્યો હતો કે તેને “ધરપકડની ધમકી” આપવામાં આવે છે, દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે બુધવારે ચુકાદો અનામત રાખ્યો હતો.
કાર્યવાહી દરમિયાન, ફરિયાદ પક્ષ તેમજ યુપીએસસીના વકીલે અરજીનો વિરોધ કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તેણે “સિસ્ટમ સાથે છેતરપિંડી” કરી છે. તેણે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે અને તે એક સાધનસંપન્ન વ્યક્તિ હોવાથી કાયદાનો દુરુપયોગ કરવાની સંભાવના હજુ પણ છે. તેના પર યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, ૨૦૨૨ માટેની અરજીમાં ‘ખોટી માહિતી રજૂ કરવાનો’ આરોપ મૂકવામાં આવ્યો હતો.