
મુંબઈઃ લોકસભાની ચૂંટણી આડે લગભગ એક મહિનો બાકી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરથી મુંબઈ સુધી 6,700 કિલોમીટરથી વધુની ભારત જોડો ન્યાય યાત્રા કાઢી હતી. હવે આજે સવારે રાહુલ ગાંધી મુંબઈના મણિ ભવનથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી ન્યાય સંકલ્પ પદયાત્રા કરશે. તેમની અહીં મેગા રેલી યોજાવાની છે અને ઘણા મોટા નેતાઓ તેમાં હાજરી આપવાના છે.
આ નેતાઓની યાદી જોઈએ તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, NCP (SP)ના વડા શરદ પવાર, ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન, AAP નેતા સૌરભ ભારદ્વાજ, સીપીઆઈના જનરલ સેક્રેટરી દિપાંકર ભટ્ટાચાર્ય નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસની આગેવાની હેઠળનું વિપક્ષી ગઠબંધન રવિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે એક મેગા રેલીનું આયોજન કરશે. રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરથી ન્યાય યાત્રા શરૂ કરી હતી. રાહુલ ભારતના 15 રાજ્યો, 110 જિલ્લા, 100 લોકસભા બેઠકો અને 337 વિધાનસભા મતવિસ્તારો થઈને મુંબઈ પહોંચ્યા. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ લગભગ 6700 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જોકે, આ વખતે તેણે બસ અને પગપાળા બંને રીતે મુસાફરી કરી છે.
રાહુલ ગાંધીએ શનિવારે મધ્ય મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે ડૉ. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીને અને બંધારણની પ્રસ્તાવના વાંચીને તેમની 63 દિવસની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કર્યું હતું. રાહુલની સાથે તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. અગાઉ, ધારાવી વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલે જાતિની વસ્તી ગણતરીના કોંગ્રેસના વચનને પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે જો તેમનો પક્ષ સત્તામાં પાછો ફરે છે, તો ગરીબ મહિલાઓને તેમના બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે, તેમ જણા્વયું હતું. આ સાથે તેમણે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.