I.N.D.I.A ગઠબંધનમાં ગઠબંધન જેવું કંઇ છે જ નહિ…
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને હરાવવાનું લક્ષ્ય રાખતા I.N.D.I.A ગઠબંધન વચ્ચે રોજ કંઈને કંઈ ઉધામા થઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ગઠબંધનના નેતાઓ એકબીજાથી જુદો જુદો રાગ જ આલાપે છે.
I.N.D.I.A ગઠબંધનમાં જોડાયેલા સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે કોઈ પણ સંજોગોમાં ગઠબંધન કરવાનો કોઈ અવકાશ નથી. તેમની પાર્ટી I.N.D.I.A ગઠબંધન હેઠળ જ ભાજપ સામે લડશે પરંતુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે તો નહી જ જોડાય અને એમ પણ મમતા બેનર્જી કે તૃણમૂલ કોંગ્રેસ ભાજપનો વિકલ્પ બને એવી કોઇ શક્યતા નથી. કારણકે પશ્ચિમ બંગાળમાં લોકશાહી ચૂંટણીનો કોઈ અર્થ નથી.
ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ કંઇક આવી જ છે. I.N.D.I.A ગઠબંધનના મુખ્ય માણસો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. અને આ બધા વચ્ચે કોંગ્રેસે સપાના સ્થાપકોમાંના એક અને લખીમપુર ખેરીથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા રવિ પ્રકાશ વર્મા કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર થઇને એક મોટો આંચકો આપ્યો છે. રવિ પ્રકાશ વર્મા અને તેમની પુત્રી પૂર્વી વર્માએ આરોપ લગાવ્યો છે કે અખિલેશના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી લોકોથી કપાઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશની રાજનીતિને નજીકથી સમજનારાઓનું કહેવું છે કે રવિ પ્રકાશ વર્મા જે રીતે સમાજવાદી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તેનાથી લોકસભાની ચૂંટણીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની કોઈ શક્યતા નથી. ત્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટી પહેલા જ નિવેદન આપ્યું હતું કે તે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અને બસપાનો આ ગઠબંધનમાં કોઇ રોલ જ નથી રહ્યો આથી જ એવું લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A ગઠબંધનનું કોઇ ભવિષ્ય દેખાતું નથી.