I.N.D.I.A. ગઠબંધનની ‘એક વર્ષ, એક પીએમ’ની ફોર્મ્યુલા: PM મોદીનો વિપક્ષ પર પ્રહાર
મધ્યપ્રદેશના બૈતુલમાં વડા પ્રધાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા
બૈતુલ: મધ્યપ્રદેશના બૈતુલમાં 7મી મેના રોજ યોજાનારા મતદાન પહેલા વડા પ્રધાન મોદીએ બુધવારે એક જનસભાને સંબોધતાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની I.N.D.I.A. ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે વિપક્ષી ગઠબંધન દેશને બરબાદ કરવા માંગે છે.
મોદીએ કહ્યું હતું કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું આવ્યું છે કે I.N.D.I.A. ગઠબંધને ‘વન યર, વન પીએમ’ની ફોર્મ્યુલા બનાવી છે. એક વર્ષે એક પીએમ, બીજા વર્ષે બીજો પીએમ. જો એક વ્યક્તિ ખુરશી પર બેસે છે, તો ચાર લોકો ખુરશીનો પગ પકડીને બેસી જશે અને તેમનું વર્ષ પૂરું થવાની રાહ જોશે. એવું લાગે છે કે આ મુંગેરીલાલના સપના સુંદર હશે, પરંતુ આ એક એવી રમત છે જે દેશનો નાશ કરશે. આ એક એવી રમત છે જે તમારા સપનાને ચકનાચૂર કરી દેશે. સોશિયલ મીડિયા પર મજાકમાં જે કહેવામાં આવે છે તેના પર I.N.D.I.A. ગઠબંધન ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં દુનિયાના લોકો આપણા દેશની મજાક ઉડાવશે. આખી દુનિયામાં જે પ્રતિષ્ઠા બંધાઈ છે તે નીચે આવશે.
આ પણ વાંચો: ગૃહ પ્રધાન અમિત શાહે કેરળમાં કોંગ્રેસ અને શાસક પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે…
ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની
તેમણે કહ્યું હતું કે તમારા એક મતે ભારતને પાંચમી સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું છે. પહેલાં આપણે 11મા નંબર પર હતા, પરંતુ આટલા ઓછા સમયમાં આપણે પાંચમા નંબર પર પહોંચી ગયા. હું તમને તમારા વોટની શક્તિ વિશે જણાવવા આવ્યો છું. તમારા એક મતથી વિદેશમાં ભારતનું ગૌરવ વધ્યું છે. તમારા એક મતે 500 વર્ષની રાહ પછી ભવ્ય મંદિરમાં રામલલાની સ્થાપના થઈ છે.
કોંગ્રેસે ક્યારેય આદિવાસી સમાજને સ્વીકાર્યો નથી
ચૂંટણી રેલીને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે કોંગ્રેસે ક્યારેય આદિવાસી સમાજને સ્વીકાર્યો નથી. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસનો પર્દાફાશ થયો છે. કોંગ્રેસનો છુપો એજન્ડા દેશ સમક્ષ આવી ગયો છે. બિનસાંપ્રદાયિકતાના નામે કોંગ્રેસે સામાજિક ન્યાયનું ખૂન કર્યું છે. બાબા સાહેબ આંબેડકરે જોયું હતું કે કોંગ્રેસ કેવી રીતે અધોગતિના માર્ગે જઈ રહી છે. બંધારણના ઘડવૈયાઓએ સંયુક્ત રીતે નિર્ણય લીધો હતો કે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. આ આપણા બંધારણની મૂળ ભાવના હતી.
કોંગ્રેસે તેની રમત રમવાનું શરૂ કરી દીધું
તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર બની ત્યારે આંધ્રપ્રદેશમાં તેમણે ધર્મ આધારિત આરક્ષણમાં સફળ થયા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટી હજુ પણ તે રમત રમવા માંગે છે. તે દેશવાસીઓની આંખમાં ધૂળ નાખીને રમત રમવા માંગે છે. કર્ણાટકમાં ઓબીસી ક્વોટામાંથી અનામતનો હિસ્સો છીનવીને મુસ્લિમોને ઓબીસી બનાવી દેવાયા અને ઓબીસીની અનામત છીનવી લેવાનું ષડયંત્ર પૂર્ણ થયું છે.