
લખનઉ: ઉત્તર પ્રદેશમાં આઈ લવ મોહમ્મદ પોસ્ટરના મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, ત્યારે અલીગઢમાં આ મુદ્દા પર ફરીથી વિવાદ સર્જાયો છે. અહીના પાંચ મંદિરોની બહાર કોઇએ આઈ લવ મોહમ્મદ લખી દીધું હતું અને આ મુદ્દે કરણી સેના અને હિન્દુવાદી સંગઠનોના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસે સમજાવીને તેઓને શાંત પાડયા હતા.
મળતી વિગતો અનુસાર, અલીગઢના બુલકગઢી ગામમાં બે અને ભગવાનપુર ગામમાં બે મંદિરોમાં અસામાજિક તત્વોએ “આઈ લવ મોહમ્મદ” લખેલું લખાણ લખ્યું હતું. શનિવારે સવારે જ્યારે ગ્રામજનોએ આ જોયું, ત્યારે તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા.
ગામના કરણી સેના કાર્યકર સચિન ઘટનાસ્થળે પહોંચ્યા અને અન્ય અધિકારીઓને જાણ કરી હતી. જ્યારે પોલીસે લખેલા શબ્દો ભૂંસી નાખવાનું શરૂ કર્યું, ત્યારે સચિને વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેનાથી લોકો વધારે રોષે ભરાયા હતા.
આ મુદ્દે કરણી સેનાના સભ્યોએ ત્યાં પહોંચીને હોબાળો કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે તેઓ બેસી ગયા હતા. જો કે બાદમાં પોલીસે જઈને તેમને સમજાવીને શાંત કર્યા હતા. બાદમાં કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
પોલીસે દાવો કર્યો છે કે સામાજિક શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આ કાવતરાનો વહેલી તકે પર્દાફાશ કરવામાં આવશે. કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. તેમનું કહેવું છે કે આ કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…‘આઈ લવ મોદી’ કહે તો સન્માન, પણ ‘આઈ લવ મોહમ્મદ’ કહે તો વિરોધ કેમ? ઓવૈસીનો સવાલ



