નેશનલ

‘મને પાકિસ્તાનમાં ઘર જેવું લાગે છે’ સામ પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન; ભાજપે કર્યો પલટવાર

નવી દિલ્હી: પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં છવાયેલા રહેતા ઈન્ડિયન ઓવરસિજ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા ફરી એકવખત તેમના નિવેદનને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે તેમણે પાકિસ્તાનને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘર જેવો જ અનુભવ થાય છે. એટલું જ નહિ તેમણે ભારતની વિદેશ નીતિ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિનું ફોકસ તેના પડોશી દેશ પર હોવું જોઈએ.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સામ પિત્રોડાએ કહ્યું હતું કે, ‘મારા મતે, આપણી વિદેશ નીતિ ‘પહેલા પાડોશી’ પર કેન્દ્રિત હોવી જોઈએ. શું આપણે ખરેખર આપણા પાડોશીઓ સાથેના સંબંધો સુધારી શકીએ? તેઓ બધા નાના છે, બધાને મદદની જરૂર છે, તેઓ બધા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને લડવાની જરૂર નથી. હા, હિંસાની સમસ્યા છે, આતંકવાદની સમસ્યા છે…’

આ દરમિયાન તેમણે આગળ કહ્યું કે, ‘હું પાકિસ્તાન ગયો અને હું તમને કહું કે મને ત્યાં ઘર જેવું લાગ્યું. હું બાંગ્લાદેશ ગયો, હું નેપાળ પણ ગયો અને મને ઘર જેવું લાગ્યું. મને એવું ન લાગ્યું કે હું વિદેશમાં છું…’

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પિત્રોડાના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, ‘રાહુલ ગાંધીના પ્રિય અને કોંગ્રેસના ઓવરસીઝ ચીફ સામ પિત્રોડા કહે છે કે તેમને પાકિસ્તાનમાં ઘર જેવું લાગે છે. આ વાતમાં કોઈ આશ્ચર્ય નથી કે યુપીએ સરકારે 26/11 પછી પણ પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરી નહોતી. તે પાકિસ્તાનના પ્રિય અને કોંગ્રેસના ચૂંટેલા વ્યક્તિ છે.’

આ પણ વાંચો…રાહુલ અમેરિકામાં સામ પિત્રોડાને મળ્યાઃ હવે સંબોધનમાં શું કહે છે તેના પર સૌની નજર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button