હાઇડ્રોજનથી ચાલતા વાહનો માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટને સરકારની મંજુરી; ગુજરાતનાં બે રૂટનો સમાવેશ

નવી દિલ્હી: નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોમવારે સરકારે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ હાઇડ્રોજન ઇંધણ આધારિત વાહનોના ઉપયોગના પરીક્ષણ માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. દેશભરમાં પાયલોટ પ્રોજેક્ટ્સ હેઠળ પરીક્ષણ માટે બસો અને ટ્રક સહિત 37 હાઇડ્રોજન-ઇંધણવાળા વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.
પાંચ પાયલોટ પ્રોજેક્ટ્સને મંજૂરી
પ્રાપ્ત વિગતો અનુસાર વિવિધ પ્રકારના હાઇડ્રોજન આધારિત વાહનો, રૂટ અને હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનો માટે દરખાસ્તો આમંત્રિત કરવામાં આવી હતી. જેની વિગતવાર ચકાસણી બાદ નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે કુલ 37 વાહનો (બસ અને ટ્રક) અને 9 હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનો ધરાવતા પાંચ પાયલોટ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પરીક્ષણ માટે પસંદ કરાયેલા વાહનોમાં 15 હાઇડ્રોજન ફ્યુઅલ સેલ-આધારિત વાહનો અને 22 હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન-આધારિત વાહનોનો સમાવેશ થાય છે.
Also read: Hydrogen Train:ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન, જાણો તેની વિશેષતાઓ
ગુજરાતનાં બે રૂટનો પણ સમાવેશ
આ વાહનો દેશભરમાં 10 અલગ અલગ રૂટ પર દોડશે. જેમાં ગ્રેટર નોઈડા – દિલ્હી – આગ્રા, ભુવનેશ્વર – કોણાર્ક – પુરી, અમદાવાદ-વડોદરા-સુરત, જામનગર-અમદાવાદ, પુણે-મુંબઈ, જમશેદપુર-કલિંગા નગરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ ટાટા મોટર્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, NTPC, ANERT, અશોક લેલેન્ડ, HPCL, BPCL અને IOCL જેવી કંપનીઓને સોંપવામાં આવ્યા છે.
સરકાર આપશે 208 કરોડ રૂપિયાની સહાય
સરકાર દ્વારા આ કેસમાં પસંદ કરાયેલા પ્રોજેક્ટ્સ માટે સરકાર લગભગ 208 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે. આ પાયલોટ પ્રોજેક્ટ્સ આગામી 18-24 મહિનામાં શરૂ થવાની શક્યતા છે, જે દેશમાં આવી ટેકનોલોજીના વિસ્તરણ માટે માર્ગ મોકળો કરશે. આ યોજના હેઠળ સહાયના મુખ્ય ક્ષેત્રો પરિવહન ક્ષેત્રમાં બસો અને ટ્રકોમાં ઇંધણ તરીકે હાઇડ્રોજનના ઉપયોગ માટે વ્યાપારી રીતે યોગ્ય ટેકનોલોજીનો વિકાસ અને હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનો જેવા સહાયક માળખાકીય સુવિધાઓનો વિકાસ છે.