હૈદરાબાદ રેસ્ટોરન્ટમાં મફત 'હલીમ' ઓફર કર્યા બાદ અંધાધૂંધી, પોલીસનો લાઠીચાર્જ મુંબઈ સમાચાર
નેશનલ

હૈદરાબાદ રેસ્ટોરન્ટમાં મફત ‘હલીમ’ ઓફર કર્યા બાદ અંધાધૂંધી, પોલીસનો લાઠીચાર્જ

હૈદરાબાદઃ હૈદરાબાદની એક રેસ્ટોરન્ટના મેનેજમેન્ટે રમઝાનના પહેલા દિવસે લોકોને મફત હલીમ આપવાનો નિર્ણય લીધા બાદ મફત હલીમ મેળવવા માટે ઉમટેલી ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો. હલીમ એ મસૂર, માંસ, ઘઉં અને મસાલાના મિશ્રણથી બનેલો સ્વાદિષ્ટ સ્ટયૂ વાનગી છે.

સોમવારે દેશના વિવિધ ભાગોમાં રમઝાનનો ચંદ્ર જોવા મળ્યા બાદ રમઝાનનો પવિત્ર ઇસ્લામિક મહિનો મંગળવારથી શરૂ થયો હતો. રમઝાનના પહેલા દિવસે મલકપેટમાં એક રેસ્ટોરન્ટે લોકોને મફત હલીમ આપવાનો નિર્ણય કર્યો હતો. આ મફતનું હલીમ મેળવવા લોકોની એટલી બધી ભીડ એકઠી થઇ ગઇ હતી કે જે કાબુમાં રાખવા માટે હોટેલ મેનેજમેન્ટ અસમર્થ હતું. બાદમાં, ભીડને વિખેરવા માટે પોલીસને બોલાવવી પડી હતી.

સમાચાર એજન્સી પીટીઆઇ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે રેસ્ટોરન્ટમાં મફત હલીમ માટે સેંકડો લોકો એકઠા થયા હતા. ફૂટેજમાં ઓળખાયેલી રેસ્ટોરન્ટનું નામ ‘આઝેબો’ છે.

મલકપેટના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, .હોટલ મેનેજમેન્ટે પોલીસને ફ્રી ઑફર વિશે અગાઉ જાણ કરી ન હતી અને ન તો તેમણે કોઈ પરવાનગી લીધી હતી. ટ્રાફિકની મુક્ત અવરજવરમાં ખલેલ પહોંચાડવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવશે.’


નોંધનીય છે કે રમઝાન દરમિયાન મુસ્લિમો સવારના ભોજન ‘સેહરી’ પછી સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે અને ‘ઇફ્તાર’ સાથે સૂર્યાસ્ત સમયે તેમનો ઉપવાસ તોડે છે. મહિનાનો અંત ઈદની ઉજવણી દ્વારા થાય છે.

Back to top button